TEST SERIES

ન બુમરાહ, ન શમી બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીમાં પેસ બોલિંગ આક્રમણ કોણ કરશે?

pic- cricfit

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવશે. હાલમાં એક તરફ બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમવાની છે, તો બીજી તરફ ટીમ ઈન્ડિયા હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક પર છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા કેટલાક સિનિયર ખેલાડીઓ સિવાય ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ રમવાના છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને બાંગ્લાદેશ સાથે રમાનાર ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવશે.

આ સિવાય કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી આ સિરીઝમાંથી બહાર થવા જઈ રહ્યા છે. જે બાદ મોટો સવાલ એ છે કે આ બંને સિરીઝમાંથી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાનું પેસ બોલિંગ આક્રમણ શું હોઈ શકે છે.

બાંગ્લાદેશ સામે આ ખેલાડીઓ પેસ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે:

1. મોહમ્મદ સિરાજ:

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાના પેસ બોલિંગ આક્રમણની આગેવાની કરતો જોવા મળશે. સિરાજ ટીમ ઈન્ડિયા માટે સતત ક્રિકેટ રમી રહ્યો છે. સિરાજ ત્રણેય ફોર્મેટમાં રમતા જોવા મળે છે. સિરાજ છેલ્લે ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ ક્રિકેટમાં રમતા જોવા મળ્યો હતો. હવે સિરાજ બાંગ્લાદેશ સામે ધમાલ મચાવવા માટે તૈયાર છે, જો કે તે પહેલા સિરાજ દુલીપ ટ્રોફી 2024માં પણ રમતા જોવા મળવાનો છે.

2. અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદ:

ટીમ ઈન્ડિયાના બે યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદ બાંગ્લાદેશ શ્રેણી પહેલા દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે. પસંદગીકારો આ બે ડાબા હાથના ફાસ્ટ બોલરો પર નજર રાખવાના છે. દુલીપ ટ્રોફીમાં જે બોલરનું પ્રદર્શન શાનદાર છે તેને આગામી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ન તો અર્શદીપ સિંહ અને ન તો ખલીલ અહેમદ ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ ક્રિકેટ રમ્યા છે. અત્યાર સુધી આ બંને ખેલાડીઓને માત્ર ODI અને T20માં જ રમવાની તક મળી છે. જોકે હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં આ બંને ખેલાડીઓ શાનદાર બોલિંગ કરીને પોતાને સાબિત કરવા માંગશે.

Exit mobile version