ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ષના અંતે 5 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીનું આયોજન કરવામાં આવનાર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવવા માટે આ ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે.
આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયન મીડિયાએ પણ આ શ્રેણી માટે વાતાવરણ બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટીમ ઈન્ડિયાના એક સ્ટાર ખેલાડીને લઈને નિવેદન આપ્યું છે કે મેદાન પર તેની હાજરીને કારણે સમગ્ર કાંગારુ ટીમ દબાણમાં રહે છે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે અમે, ‘ભારતના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને રમવાના અભિગમમાં ખૂબ કાળજી રાખવી પડશે’.
રિષભ પંત ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ 7 મેચોની 12 ઇનિંગ્સમાં બેટિંગ કરીને રિષભ પંતે 62.40ની એવરેજથી 624 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા સામે 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં રિષભ પંતનો 159 રનનો ઉચ્ચ સ્કોર પણ ઓસ્ટ્રેલિયા સામે આવ્યો હતો.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25નું આયોજન 22મી નવેમ્બરથી કરવામાં આવશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થના મેદાન પર રમાશે. બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં, ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસબેનમાં, ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં અને પાંચમી ટેસ્ટ મેચ સિડનીમાં રમાશે.
જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતે છે, તો ટીમ ઈન્ડિયા નંબર 1 પર રહીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે છે.

