ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચના પાંચમા દિવસે ન્યુઝીલેન્ડ આઠ વિકેટથી મેચ જીતવામાં સફળ રહ્યું હતું. રવિવારે ટેસ્ટના પાંચમા દિવસે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનની જરૂર હતી, જે ટીમે બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધી હતી.
આ હાર સાથે ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવાનું સપનું પણ ચકનાચૂર થઈ શકે છે. આ મેચ પહેલા, ભારત WTC પોઈન્ટ ટેબલમાં 74.24 પોઈન્ટ ટકાવારી અને 11 મેચમાં 98 પોઈન્ટ સાથે ટોચ પર હતું. ઓસ્ટ્રેલિયા 62.50 ગુણની ટકાવારી સાથે બીજા સ્થાને છે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારતની મુશ્કેલીઓ વધી ગઈ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતને બાકીની 7માંથી 5 મેચ જીતવી જરૂરી છે. ભારતે ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે વધુ બે ટેસ્ટ મેચ રમવાની છે. આ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જ્યાં ટીમે પાંચ મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ સહિત આગળની પડકારજનક મેચોને લઈને આ કાર્ય કઠિન બનવાનું છે.
આ હાર પહેલા, ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો, તેણે 11માંથી 8 મેચ જીતી હતી, માત્ર બેમાં હારની સાથે એક ડ્રો પણ કર્યો હતો. બે પેનલ્ટી પોઈન્ટ બાદ કર્યા પછી પણ ભારતે કુલ 98 પોઈન્ટ આપતા 74.24 પોઈન્ટની ટકાવારી હાંસલ કરી હતી. જો કે, બેંગલુરુમાં હારથી તેમની સ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ છે, તેમની પોઈન્ટની ટકાવારી ઘટીને 68.06 થઈ ગઈ છે.