ભારતના અનુભવી ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેની કારકિર્દીમાં વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો. તે 100 ટેસ્ટ રમનાર ભારતનો 14મો ખેલાડી બન્યો છે.
અશ્વિને ગુરુવારે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં મેદાનમાં ઉતરતાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
રાજકોટમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન, અશ્વિન 500 ટેસ્ટ વિકેટ લેનારો અનિલ કુંબલે પછી બીજો ભારતીય બોલર બન્યો. તે મુથૈયા મુરલીધરન, શેન વોર્ન, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, કુંબલે, ગ્લેન મેકગ્રા, કર્ટની વોલ્શ જેવા બોલરોની વિશિષ્ટ ક્લબમાં પણ જોડાયો હતો.
2011માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર 37 વર્ષીય ખેલાડીએ 507 ટેસ્ટ વિકેટ લીધી છે. તેણે આ ફોર્મેટમાં 26.47ની બેટિંગ એવરેજ સાથે 3309 રન પણ બનાવ્યા છે. જેમાં પાંચ સદી અને 14 અડધી સદી સામેલ છે. આ ફોર્મેટમાં માત્ર નાથન લિયોને (527 વિકેટ) તેના કરતા વધુ વિકેટ લીધી છે.
અશ્વિને રાંચી ટેસ્ટમાં ટેસ્ટ ક્રિકેટમાં તેની 35મી પાંચ વિકેટ ઝડપી હતી અને કુંબલેના ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય દ્વારા સૌથી વધુ પાંચ વિકેટ ઝડપવાના રેકોર્ડની બરોબરી કરી હતી. ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે 200 ટેસ્ટ મેચો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે આ ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ છે.