TEST SERIES

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાની ટીમ જાહેર, આફ્રિદી બહાર

Pic- circle of cricket

પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની આગામી 2 મેચની હોમ ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાને 17 સભ્યોની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. ટેસ્ટ ટીમમાં કેપ્ટનશિપની જવાબદારી હજુ પણ શાન મસૂદના હાથમાં રહેશે.

જોકે, ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં, થોડા સમય પહેલા મર્યાદિત ઓવરના ફોર્મેટમાં સુકાનીપદ ગુમાવનાર શાહીન પાસેથી હવે ટેસ્ટ ટીમની ઉપ-સુકાની પદ છીનવી લેવામાં આવ્યું છે.

શાહીન આફ્રિદી હવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ સિરીઝમાં વાઈસ કેપ્ટન તરીકે જોવા મળશે નહીં. શાહીનની જગ્યાએ સઈદ શકીલને પાકિસ્તાન ટીમનો નવો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 21 ઓગસ્ટથી શરૂ થવાની છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ રાવલપિંડીમાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ દ્વારા ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. શાહીન આફ્રિદીની જગ્યાએ વાઈસ કેપ્ટન બનાવવામાં આવેલા સઈદ શકીલે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનું શાનદાર પ્રદર્શન જોઈને જ તેને આ મોટો ઈનામ મળ્યો છે.

પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ નસીમ શાહને ટીમમાં રાખ્યો છે. નસીમ 13 મહિનાના લાંબા સમય બાદ ટેસ્ટમાં વાપસી કરતો જોવા મળશે. ઈજાના કારણે તે ટેસ્ટ ટીમની બહાર હતો. જો કે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને ટેસ્ટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાનની ટીમ:

શાન મસૂદ (કેપ્ટન), સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, બાબર આઝમ, કામરાન ગુલામ, ખુર્રમ શહઝાદ, મીર હમઝા, મોહમ્મદ અલી, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), નસીમ શાહ, સૈમ અયુબ, સલમાન અલી આગા, સરફરાઝ અહેમદ (વિકેટકીપર) અને શાહીન શાહ આફ્રિદી.

Exit mobile version