TEST SERIES

એશિઝમાં પેટ કમિન્સે રચ્યો નવો ઈતિહાસ, આ કારનામું કરનાર પ્રથમ કેપ્ટન

Pic- India Today

ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારે 16 જૂને રમાયેલી પ્રથમ એશિઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે બેટિંગ માટે અનુકૂળ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો.

ઈંગ્લેન્ડે પહેલા જ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી હતી. મોઇન અલી લગભગ બે વર્ષમાં પ્રથમ ટેસ્ટ રમશે. મોઇને તાજેતરમાં જ નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

ઓસ્ટ્રેલિયાએ મિચેલ સ્ટાર્કના સ્થાને જોશ હેઝલવુડની પસંદગી કરી છે. કેપ્ટન પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડ પેસ આક્રમણનું નેતૃત્વ કરશે. ઈંગ્લેન્ડની ઇનિંગ્સની શરૂઆત કરવા માટે બેન ડકેટ અને જેક ક્રાઉલીની ઓપનિંગ જોડી મેદાન પર ઉતરી હતી. તે જ સમયે ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સ પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. આ સાથે એશિઝમાં નવો ઈતિહાસ સર્જાયો હતો.

વાસ્તવમાં પેટ કમિન્સ એશિઝના ઈતિહાસમાં પહેલી ઓવર ફેંકનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન બની ગયો છે. આજ પહેલા કોઈ કાંગારૂ કેપ્ટને આ કારનામું કર્યું ન હતું. જોકે, એશિઝ ટેસ્ટની પ્રથમ ઓવરમાં ઈંગ્લેન્ડના 2 કેપ્ટન બોલિંગ કરી ચૂક્યા છે, જેમાં ગેબી એલન અને બોબ વિલિસનો સમાવેશ થાય છે.

પેટ કમિન્સ પ્રથમ ઓવરમાં બોલિંગ કરવા આવ્યો અને જેક ક્રોલીએ ચોગ્ગા સાથે તેનું સ્વાગત કર્યું. આ રીતે પેટ કમિન્સે એક મોટો રેકોર્ડ બનાવ્યો પરંતુ ચોગ્ગાના કારણે આ ઐતિહાસિક ક્ષણ થોડી ફિક્કી પડી ગઈ. નોંધપાત્ર વાત એ છે કે ઓસ્ટ્રેલિયાએ 2001થી ઈંગ્લેન્ડમાં એશિઝ શ્રેણી જીતી નથી પરંતુ તાજેતરમાં જ ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બન્યું છે.

Exit mobile version