ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. ટીમ ઈન્ડિયાની આ બીજી WTC ફાઈનલ છે. અગાઉ WTC ફાઇનલમાં 2021માં ભારતને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે જો ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે વધુ 3 વિકેટ લેશે તો તે ક્રિકેટની દુનિયામાં એક મોટો રેકોર્ડ બનાવી લેશે.
ભારતીય ટીમના જાદુઈ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 270 મેચમાં 697 વિકેટ ઝડપી છે. જો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે વધુ 3 વિકેટ લે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700 વિકેટ પૂરી કરી લેશે અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700થી વધુ વિકેટ લેનારો ભારતનો ત્રીજો બોલર બની જશે. તેના પહેલા અનિલ કુંબલે (956 વિકેટ) અને હરભજન સિંહ (711 વિકેટ) ભારત માટે 700 થી વધુ વિકેટ લઈ ચુક્યા છે.
રવિચંદ્રન અશ્વિને વર્ષ 2011માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે ટીમ ઈન્ડિયાના બોલિંગ આક્રમણમાં એક મહત્વપૂર્ણ કડી રહ્યો છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 92 ટેસ્ટ મેચમાં 474 વિકેટ, 113 વનડેમાં 151 વિકેટ અને 65 T20 મેચમાં 72 વિકેટ ઝડપી છે. તેનો કેરમ બોલ રમવો સરળ નથી. શાનદાર બોલિંગની સાથે તે નીચલા ક્રમમાં પણ શાનદાર બેટિંગ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં ત્રણ સ્પિનરો છે. જેમાં રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં અશ્વિને ભારતને સિરીઝ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કેપ્ટન રોહિત શર્મા WTC ફાઇનલમાં બે સ્પિનરો સાથે પ્લેઇંગ ઇલેવનમાં જાય છે તો અશ્વિનને તક મળી શકે છે.