TEST SERIES

ICC નિયમોનું ઉલ્લંઘન કરતાં રવિન્દ્ર જાડેજાને મેચ ફીના 25% દંડ લાગ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જાડેજાને આઈસીસીના નિયમોનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર ઇનિંગ અને 132 રને જીત મેળવી હતી. ભારતની આ જીતમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જે બાદ બેટિંગ કરતા 70 રન બનાવ્યા હતા.

આ સાથે જ જાડેજાએ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં બે વિકેટ ઝડપી હતી. જાડેજાએ પ્રથમ ટેસ્ટ મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. મેચ બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. વાસ્તવમાં, મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન બોલિંગ કરતી વખતે જાડેજાએ પોતાના હાથ પર કંઈક લગાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા અને પૂર્વ ક્રિકેટરો દ્વારા આ તસવીરો પર ઘણો હોબાળો થયો હતો.

બીસીસીઆઈના હસ્તક્ષેપ બાદ, તપાસમાં જાણવા મળ્યું કે જાડેજાએ અમ્પાયરને જાણ કર્યા વિના તેની આંગળી પર ક્રીમ લગાવી દીધી હતી, જે આઈસીસીની આચાર સંહિતા વિરુદ્ધ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમનો સ્કોર 120/5 હતો અને જાડેજા બોલિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન જાડેજાએ સિરાજ સાથે થોડી વાતચીત કરી હતી. તે દરમિયાન જાડેજા બોલ પર આંગળીઓ ઘસતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજા પર બોલ સાથે ટેમ્પરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે જાડેજાને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

Exit mobile version