ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની પ્રશંસા કરી છે અને તેના વિશે ભવિષ્યવાણી પણ કરી છે. રિકી પોન્ટિંગનું માનવું છે કે બાબર આઝમ વિશ્વનો નંબર વન ટેસ્ટ બેટ્સમેન બનશે અથવા તો ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બેટિંગનું સ્થાન પાછું મેળવવા માટે પડકાર ફેંકશે.
બાબર આઝમ હાલમાં ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં નવમા ક્રમે છે, પરંતુ ODI અને T20 ઈન્ટરનેશનલમાં તે નંબર વનનું સ્થાન ધરાવે છે.
ICC રિવ્યુ વિથ ઈશા ગુહાના શોમાં બોલતા, ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું, “મને લાગતું હતું કે તે વિશ્વનો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બનશે અથવા ચોક્કસપણે પડકારરૂપ જોવા મળશે તે સમયની વાત હતી. તે કદાચ અત્યારે આ પદ માટે પડકારરૂપ છે અને કદાચ જો તે છેલ્લા કેટલાક વર્ષોમાં થોડી વધુ ટેસ્ટ મેચ રમ્યો હોત, તો તે તેના માટે દરવાજો ખટખટાવતો જોવા મળ્યો હોત.”
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે માત્ર એક જ વખત બેટિંગ કરી અને 36 રન બનાવ્યા. જો કે, આ વિકેટ બેટિંગ માટે અનુકૂળ હતી, કારણ કે પાકિસ્તાનની ટીમે બે દાવમાં ચાર સદી ફટકારી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા દ્વારા ચાર અડધી સદી ફટકારવામાં આવી હતી. ડેડ પિચ મેચનું પરિણામ ડ્રો રહ્યું હતું. શ્રેણી હજુ પણ 0-0થી બરાબર છે. આવી સ્થિતિમાં તે બાકીની બે ટેસ્ટ મેચમાં મોટા રન બનાવવાનો પ્રયાસ કરશે.