ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર રમત બતાવીને શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી. ભારતે માત્ર ત્રણ દિવસમાં જ બંને મેચ જીતીને શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું હતું.
આ શ્રેણી દરમિયાન, ભારતીય વિકેટકીપર ઋષભ પંતે ધમાકેદાર બેટિંગ કરી અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો. પ્રથમ મેચમાં તેણે 96 રન બનાવ્યા હતા જ્યારે બીજી મેચમાં તેણે સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો.
ઋષભ પંતને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવા અંગે રોહિતે કહ્યું, “અમે જાણીએ છીએ કે તે કેવી રીતે બેટિંગ કરે છે અને એક ટીમ તરીકે અમે તેને તેની કુદરતી રમત રમવાની સ્વતંત્રતા આપવા માંગીએ છીએ, પરંતુ તેને કહેવામાં આવ્યું છે કે મેચની સ્થિતિ અને પિચ જોઈને બેટિંગ કરવી પડશે.”
પંતે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શ્રીલંકા વિરૂદ્ધ 97 બોલમાં 96 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ સાથે જ બેંગ્લોરમાં તેણે માત્ર 31 બોલમાં 50 રનની ઇનિંગ રમીને રેકોર્ડ બનાવ્યો હતો. ટેસ્ટમાં 28 બોલમાં અડધી સદી પૂરી કરી અને ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો.
રોહિતે કહ્યું, “ક્યારેક એવું બને છે કે તમે તમારું માથું મારવા લાગો છો કે તેણે આવો શોટ કેમ રમ્યો, પરંતુ તે જે રીતે રમે છે તે રીતે આપણે તેને સ્વીકારવું પડશે.” તે એવો ખેલાડી છે જે અડધો કલાક કે 40 મિનિટમાં મેચનો કોર્સ બદલી શકે છે. તેની વિકેટકીપિંગ પણ શાનદાર છે અને દરેક મેચમાં તેનું પ્રદર્શન સુધરી રહ્યું છે. ડીઆરએસના તેના નિર્ણયો પણ સાચા થઈ રહ્યા છે.