TEST SERIES

સબા કરીમ: જો આવું કરશે તો ઋષભ પંત એડમ ગિલક્રિસ્ટ કરતા વધુ સફળ થઈ શકે છે

ભારતના ભૂતપૂર્વ પસંદગીકાર સબા કરીમે કહ્યું કે ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઉભરી શકે છે. કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં અન્ય ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ડાબા હાથના બેટ્સમેને બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી.

તેણે ટૂંકી ક્રિકેટ કારકિર્દીમાં બેટ્સમેન તરીકે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારવાનો સમાવેશ થાય છે.

આવી સ્થિતિમાં પંતથી પ્રભાવિત કરીમને લાગે છે કે જો ડાબા હાથના વિકેટ કીપર બેટ્સમેનને સારી રીતે મેનેજ કરવામાં આવશે તો તે ભવિષ્યમાં ભારત માટે મોટો મેચ વિનર સાબિત થશે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન પણ માને છે કે પંત ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ કરતાં વધુ સફળ થઈ શકે છે.

કરીમે એક યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘જો પંતને સારી રીતે મેનેજ કરવામાં આવશે તો તે ટેસ્ટમાં સૌથી મહાન ભારતીય વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઉભરી આવશે. જો આપણે ટીકા કરવાનું બંધ નહીં કરીએ તો આપણે તેના જેવા ખેલાડીને ગુમાવી શકીએ છીએ. તે આવનારા વર્ષોમાં ભારતનો સૌથી મોટો મેચ વિનર હશે. તે છેલ્લી ટેસ્ટની જેમ ભૂલો કરશે, પરંતુ જો આપણે આ માટે તેની ટીકા કરીએ અને તેને પડતો મુકવા માંગીએ તો તે ટીમને મદદ કરશે નહીં.

કરીમે વધુમાં કહ્યું, ‘જો ઋષભ પંત તેની પ્રતિભા સાથે ન્યાય કરશે તો તે એડમ ગિલક્રિસ્ટ કરતાં પણ વધુ સફળ થઈ શકે છે. તેણે ઘણી વખત દબાણ હેઠળ રન બનાવ્યા છે અને તે ઘણીવાર મેચ જીતવાના અભિગમ સાથે રમે છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ ટેસ્ટમાં ભારતને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Exit mobile version