ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે પોતાના કરિયરની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. અય્યરે ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટના બીજા દિવસે સદી ફટકારીને રોહિત શર્મા, શિખર ધવન, લાલા અમરનાથ જેવા મહાન બેટ્સમેનોની યાદીમાં પોતાનો સમાવેશ કર્યો છે.
અય્યર ડેબ્યૂ ટેસ્ટમાં ભારત માટે સદી ફટકારનાર 16મો બેટ્સમેન બની ગયો છે. ભારત માટે લાલા અમરનાથ પ્રથમ હતા જેમણે 1933માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 118 રન બનાવ્યા હતા.
દીપક શોધન (110), એજી ક્રિપાલ સિંઘ (100 અણનમ), અબ્બાસ અલી બેગ (112), હનુમંત સિંહ (105), ગુંડપ્પા વિશ્વનાથ (137), સુરિન્દર અમરનાથ (124), મોહમ્મદ અઝહરુદ્દીન (110), પ્રવિણ આમરે (103). ), સૌરવ ગાંગુલી (131), વિરેન્દ્ર સેહવાગ (105), સુરેશ રૈના (120), શિખર ધવન (187), રોહિત શર્મા (177) અને પૃથ્વી શૉ (134) તેની પહેલાં આવું કરી ચુક્યા છે.
શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા માત્ર એજી ક્રિપાલ સિંહ અને સુરિન્દર અમરનાથ જ આ કારનામું કરી શક્યા છે. અય્યરે 157 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં નથી રમી રહ્યો અને અય્યરને ટીમમાં સ્થાન મળ્યું છે. અય્યરે આ તકને જવા દીધી નથી.

