ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. કમિન્સ અમદાવાદ ટેસ્ટ માટે ભારત પરત નહીં ફરે. સ્ટીવ સ્મિથ તેની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ ચાલુ રાખશે.
પેટ કમિન્સ દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ પછી તરત જ ઘરે પરત ફર્યો હતો, જ્યાં તે તેની ગંભીર રીતે બીમાર માતાની સંભાળ લઈ રહ્યો છે. કમિન્સ તેની માતા સાથે રહેવા માંગે છે અને તેથી તેણે ઘરે જ રહેવાનું નક્કી કર્યું છે. ઈન્દોર ટેસ્ટ જીત્યા બાદ ટીમે કમિન્સનો સંપર્ક કર્યો. તમને જણાવી દઈએ કે 2004 પછી ભારતમાં ઓસ્ટ્રેલિયાની આ બીજી ટેસ્ટ જીત હતી.
અમદાવાદમાં આ ચોથી વખત હશે જ્યારે કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ટીમની કમાન સંભાળશે. સ્મિથે પહેલા જ કહી દીધું છે કે તેને ફુલ ટાઈમ કેપ્ટનશિપમાં બિલકુલ રસ નથી. સ્ટીવ સ્મિથે કહ્યું હતું કે, ‘મારો સમય પૂરો થઈ ગયો છે. આ પેટ કમિન્સની ટીમ છે. હું ચોક્કસપણે આ ક્ષણે ચાર્જ લઈ રહ્યો છું. ટીમ માટે આ મુશ્કેલ સમય છે કારણ કે પેટ કમિન્સ સ્વદેશ પરત ફર્યો છે. અમારી પ્રાર્થના ઘરે પણ તેની સાથે છે.
તમને જણાવી દઈએ કે પેટ કમિન્સ ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળવાના છે. બંને દેશો વચ્ચે 17 માર્ચથી વનડે શ્રેણી શરૂ થશે. પરંતુ તેના રમવા અંગે નિર્ણય આવવાનો બાકી છે. પેટ કમિન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમને જોતા પહેલા જ આઈપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઑસ્ટ્રેલિયાએ જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે, જ્યાં તેનો સામનો ભારત અથવા શ્રીલંકામાંથી થઈ શકે છે.
