ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ભારત સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા આંચકો લાગ્યો છે. ટીમના અનુભવી ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, તેની ઈજા ગંભીર હોવાનું કહેવાય છે અને લોર્ડ્સ ટેસ્ટમાં રમવા અંગે શંકાઓ ઉભી થઈ છે. બંને દેશો વચ્ચે શ્રેણીની બીજી મેચ ગુરુવારે રમાવાની છે.
ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક, બ્રાડને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, બોલિંગ કરતી વખતે તેના પગની ઘૂંટી વળી ગઈ હતી. પગમાં મચકોડના કારણે તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે અને પગની ઘૂંટીમાં સોજો પણ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના માટે બીજી ટેસ્ટ મેચ રમવી મુશ્કેલ બની ગઈ છે.
બ્રોડે નોટિંઘમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં માત્ર 1 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિંગમાં 20 ઓવરની બોલિંગમાં 70 રન ખર્ચ્યા હતા જ્યારે એક પણ વિકેટ ન મળી. અહેવાલો અનુસાર, બ્રોડ પગની ઇજાને કારણે ભારત સામેની બીજી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ જશે. આવી સ્થિતિમાં ઝડપી બોલર માર્ક વુડને તેના સ્થાને ભારત સામે મેદાનમાં ઉતારી શકાય છે. ઇંગ્લેન્ડની ટીમને પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે શ્રેણી પહેલા પોતાનું નામ પાછું ખેંચી લીધું. આ પછી, ઓલી પોપે પણ ઈજાને કારણે ખસી જવું પડ્યું.
ઇંગ્લેન્ડની ટીમે બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં મોઇન અલીનો સમાવેશ કર્યો છે. ભારત સામે 12 ઓગસ્ટથી લોર્ડ્સ ખાતે શરૂ થનારી ટેસ્ટ પહેલા ઓલરાઉન્ડર મોઈન અલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

