
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ ટેસ્ટ શ્રેણીની શરૂઆત વર્ષ 1882માં થઈ હતી અને ત્યારથી તે હવે સૌથી જૂની અને સૌથી મોટી ક્રિકેટ હરીફાઈ બની ગઈ છે.
બંને દેશો ફરી એકવાર 72મી વખત એશિઝ ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહ્યા છે. એશિઝમાં ઈંગ્લેન્ડ 32 વખત જ્યારે ઓસ્ટ્રેલિયા 33 વખત જીત્યું છે. ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે આ સ્કોર બરાબરી કરવા અને પછી આગળ નીકળી જવા માટે સંઘર્ષ કરી રહી છે. વર્ષોથી બંને દેશોની આ દુશ્મનાવટ ક્રિકેટની એક મોટી ઓળખ બની ગઈ છે.
આ વખતે એશિઝ ટેસ્ટ શ્રેણીમાં તમામની નજર બંને ટીમોના ખેલાડીઓ પર રહેશે, પરંતુ વર્ષ 2019માં હેડિંગ્લેમાં એશિઝ દરમિયાન ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે એક એવી ઈનિંગ રમી હતી જે ઈતિહાસ બની ગઈ હતી. વાસ્તવમાં, આ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 359 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો, જે બિલકુલ શક્ય જણાતું નહોતું, પરંતુ સ્ટોક્સે તેની શાનદાર બેટિંગ દ્વારા તેને શક્ય બનાવ્યું. તેણે આ મેચની બીજી ઇનિંગમાં 219 બોલમાં અણનમ 135 રન બનાવ્યા અને આ લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમને વિજય અપાવ્યો.
બેન સ્ટોક્સની 219 બોલમાં અણનમ 135 રનની અવિશ્વસનીય ઈનિંગે ઈંગ્લેન્ડને 359 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં મદદ કરી અને તે ટેસ્ટ ઈતિહાસમાં તેનો સૌથી સફળ રન ચેઝ બનાવ્યો.
ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટના પ્રથમ દાવમાં 179 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં 67 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ઈનિંગમાં 246 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો.
