સમગ્ર વિશ્વ અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ છે. અમેરિકાએ કાબુલમાંથી પણ પોતાની સેના પાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં તાલિબાનોએ અફઘાનિસ્તાનને સંપૂર્ણ રીતે કબજે કર્યા બાદ હવે તાલિબાનોએ ક્રિકેટપ્રેમીઓને પોતાનું બદલાયેલ વલણ બતાવ્યું છે. તાલિબાને તાજેતરમાં જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ તેના સમયપત્રક અનુસાર ક્રિકેટ રમવાનું ચાલુ રાખી શકે છે.
અફઘાનિસ્તાન ટીમ આ વર્ષે નવેમ્બરમાં ટેસ્ટ મેચમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. આ એશિયન રાષ્ટ્રમાં રાજકીય અનિશ્ચિતતા વચ્ચે, દરેકને અફઘાન ક્રિકેટના ભવિષ્ય વિશે શંકા હતી. પરંતુ હવે તાલિબાને દેશમાં રમત ચાલુ રાખવા માટે લીલી ઝંડી આપી દીધી છે.
તાલિબાનના સાંસ્કૃતિક આયોગના નાયબ વડા અહમદુલ્લાહ વાસિકે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ નિર્ધારિત મુજબ આગળ વધશે. ટીમ અન્ય આંતરરાષ્ટ્રીય ટીમો સાથે રમી શકે છે.
તાલિબાનના આ બદલાયેલા વલણે ક્રિકેટ પ્રેમીઓને સારા સમાચાર આપ્યા છે, પરંતુ અફઘાનિસ્તાનના ક્રિકેટરો કેટલા ખુશ છે, તે તો સમય જ કહેશે. હાલમાં, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર શોન ટેટને તાત્કાલિક અસરથી અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

