TEST SERIES

ટોમ લાથમે બાંગ્લાદેશી બોલરોને તોડી પાડ્યા, ક્રાઈસ્ટચર્ચમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો

ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશી બોલરો પર તબાહી મચાવી દીધી છે. લાથમે મેચના બીજા દિવસે પોતાની બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. નિયમિત સુકાની કેન વિલિયમસનની ગેરહાજરીમાં, આ શ્રેણીમાં કિવિઝની કેપ્ટનશીપ કરી રહેલા લાથમની ટેસ્ટ કારકિર્દીમાં આ બીજી સદી છે.

ડાબોડી બેટ્સમેન લાથમે 305 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તે ઓપનર તરીકે ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ઓપનરે પોતાની ઈનિંગ દરમિયાન 373 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે 34 ફોર અને બે સિક્સરની મદદથી 252 રનની યાદગાર ઈનિંગ રમી હતી.

ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર કોઈપણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. બાંગ્લાદેશ સામે બનેલો આ સ્કોર લાથમની કારકિર્દીની બીજી બેવડી સદી છે. તેણે 2018માં વેલિંગ્ટનમાં શ્રીલંકા સામે તેની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. લાથમની કારકિર્દીનો આ બીજો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર પણ છે. ટેસ્ટમાં તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર 264 છે, જે તેણે 2018માં વેલિંગ્ટનમાં શ્રીલંકા સામે બનાવ્યો હતો.

લાથમની શાનદાર બેવડી સદીની મદદથી ન્યૂઝીલેન્ડે તેનો પ્રથમ દાવ 6 વિકેટે 521 રને ડિકલેર કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશે ચાના સમય સુધી 27 રનમાં પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.

આ સાથે લાથમ ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર 9મો બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે નિયમિત કેપ્ટન કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે, જેણે 2020માં હેમિલ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 251 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમના નામે છે, જેણે 2014માં વેલિંગ્ટનમાં ભારત સામે 302 રન બનાવ્યા હતા. તેના પછી માર્ટિન ક્રો (299), રોસ ટેલર (290), સ્ટીફન ફ્લેમિંગ (274 અણનમ), બી યંગ (276 અણનમ), ગ્લેન ટર્નર (259) છે.

Exit mobile version