ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચોથા દિવસે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા છે.
તેણે ઓસ્ટ્રેલિયા સામેની 25મી ટેસ્ટ મેચમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની પ્રથમ ઈનિંગમાં લાંબો સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો ન હતો પરંતુ બીજી ઈનિંગમાં તે સારા ટચમાં હોય તેવું લાગી રહ્યું છે અને ભારતને તેની પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા છે. આ દરમિયાન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 5000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે.
ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચોથા દિવસે વિરાટ કોહલીએ સાતમો રન પૂરો કરતાની સાથે જ આ સિદ્ધિ મેળવી લીધી. WTC ફાઈનલ પહેલા વિરાટ કોહલીને 2000 રન પૂરા કરવા માટે માત્ર 21 રનની જરૂર હતી. તેણે પ્રથમ દાવમાં સારી શરૂઆત કરી હતી પરંતુ તે 31 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની 25 ટેસ્ટમાં વિરાટ કોહલીની સરેરાશ 47થી ઉપર છે અને તેણે આઠ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. ભારતીય બેટ્સમેનોમાં સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે 11 સદી ફટકારી છે, જે વિરાટ કોહલી કરતા વધુ છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર 1352 રન બનાવ્યા છે.
કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે 2000 રન પુરા કરનાર પાંચમો ભારતીય બની ગયો છે. સચિન તેંડુલકર (3,630), VVS લક્ષ્મણ (2,434), રાહુલ દ્રવિડ (2,143), અને ચેતેશ્વર પૂજારા (2,040+) એ ઓસ્ટ્રેલિયા સામે રન બનાવ્યા છે.