વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના બીજા દિવસે સદી ચૂકી ગયો હતો. તે 97 રન બનાવીને રન આઉટ થયો હતો. આ સાથે, તે ટેસ્ટ ક્રિકેટમાં 90થી ઉપરનો સ્કોર કરીને સદી પહેલા રનઆઉટ થનાર પ્રથમ કેપ્ટન બન્યો. એટલું જ નહીં, છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું કે 90 થી વધુ રન બનાવ્યા બાદ સદી ફટકારતા પહેલા વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન રન આઉટ થઈ ગયો. અગાઉ 2001 માં રામનરેશ સરવન દક્ષિણ આફ્રિકા સામે રન આઉટ થયો હતો.
જણાવી દઈએ કે બીજા દિવસની રમતના અંતે કેરેબિયન ટીમે 8 વિકેટે 251 રન બનાવ્યા હતા. ટીમ પાસે 37 રનની લીડ છે. જોશુઆ ડી સિલ્વા અને જોમેલ વોરિકન ક્રિઝ પર છે. એક સમયે 100 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ કેરેબિયન ટીમ સંઘર્ષ કરી રહી હતી. ત્યારબાદ કેપ્ટન બ્રેથવેટે હોલ્ડર સાથે 96 રનની ભાગીદારી કરી હતી. હોલ્ડરે 58 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન તરફથી મોહમ્મદ અબ્બાસે 3, શાહીન આફ્રિદીએ 2, ફહીમ અશરફ અને હસન અલીએ 1-1 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પાકિસ્તાનને પ્રથમ દાવમાં 217 રનમાં ઓલઆઉટ કરી દીધું. ફવાદ આલમે 56 રન બનાવ્યા હતા. આ સિવાય ફહીમ અશરફે 44 રનની ઇનિંગ રમી હતી. બાબર આઝમે 30 રન બનાવ્યા હતા.

