અજિંક્ય રહાણેની કપ્તાનીમાં ભારતીય ટીમ કાનપુરના ગ્રીન પાર્કમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમવા આવી છે. આ મેચમાં અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજ આ મેચમાં ક્રિકેટ નથી રમી રહ્યા. તમને જણાવી દઈએ કે કેપ્ટન તરીકે રહાણેના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ છે, જે ધોની અને વિરાટ કોહલી જેવા કેપ્ટન પણ હાંસલ કરી શક્યા નથી.
કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેએ પાંચ ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા એક પણ ટેસ્ટ મેચ હારી નથી. અજિંક્ય રહાણે એકમાત્ર એવો ભારતીય કેપ્ટન છે જેણે 5 કે તેથી વધુ ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે એક પણ મેચ હાર્યો નથી. અજિંક્ય રહાણેની કપ્તાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું.
રહાણે ન્યુઝીલેન્ડ સામે પણ આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે અને કાનપુર ટેસ્ટ કોઈપણ ભોગે જીતવા માંગશે. જો કે, આ ટેસ્ટ મેચ પહેલા કેએલ રાહુલની ઈજાના કારણે ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો અને આ વાત અજિંક્ય રહાણેએ પણ સ્વીકારી હતી. પરંતુ તેણે એવી આશા પણ વ્યક્ત કરી કે અન્ય ખેલાડીઓ રાહુલની ખામીઓને પૂરી કરશે અને ટીમ ઈન્ડિયા ચોક્કસપણે જીતશે.