ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 2જી ફેબ્રુઆરી એટલે કે શુક્રવારથી વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં કેટલાક નવા ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. આ પછી અનકેપ્ડ સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે મેચના એક દિવસ પહેલા સરફરાઝ ખાન અને રજત પાટીદાર વિશે કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રથમ મેચ હાર્યા બાદ વિક્રમ રાઠોડે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભારતીય ખેલાડીઓ ઈજાની સમસ્યાથી પરેશાન છે. જેના કારણે ટીમના કોમ્બિનેશનને મોટો ફટકો પડ્યો છે.
વિક્રમ રાઠોડે કહ્યું કે બીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તે કહેવું મુશ્કેલ છે. ખેલાડીઓની પસંદગી કરવી મુશ્કેલ નિર્ણય હશે. સરફરાઝ ટીમમાં શું બદલાવ લાવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. ચોક્કસપણે તે એક સારો અને તેજસ્વી ખેલાડી છે. અમે જોયું છે કે તેણે છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેથી, આ પ્રકારની વિકેટ પર મને લાગે છે કે સરફરાઝ ભારત માટે ખરેખર મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.
ભારતીય ટીમના અન્ય એક યુવા ખેલાડી રજત પાટીદાર અંગે વિક્રમ રાઠોડે કહ્યું કે સરફરાઝ ખાન અને રજત પાટીદાર વચ્ચે પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ નિર્ણય હશે. પરંતુ આ નિર્ણય રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા જ લેશે. પ્લેઈંગ ઈલેવનની પસંદગી સંજોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. અગાઉથી પિચની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે. કારણ કે પહેલા દિવસ પછી પિચ બદલાશે.