TEST SERIES

૧૭૫ની ઇનિંગ સાથે રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં નંબર વન ઓલરાઉન્ડર બન્યો

શ્રીલંકા સામેની મોહાલી ટેસ્ટ ભલે વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ હોય પરંતુ આ મેચની ખાસ વાત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન હતું.

જાડેજાએ આ મેચમાં અણનમ 175 રનની ઐતિહાસિક ઈનિંગ રમી એટલું જ નહીં 9 વિકેટ પણ લીધી. તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જાડેજાના આ પ્રદર્શનના કારણે શ્રીલંકાને ઇનિંગ્સ અને 222 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે જાડેજાને તેના પ્રદર્શનનો પુરસ્કાર મળ્યો છે. વાસ્તવમાં, રવિન્દ્ર જાડેજાએ નવી ICC મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં ઓલરાઉન્ડર તરીકે નંબર વન સ્થાન મેળવ્યું છે. તે હવે 406 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર પાસેથી આ પદ હાંસલ કર્યું છે જે ફેબ્રુઆરી 2021થી આ પદ પર હતા. હવે હોલ્ડર 382 પોઈન્ટ સાથે બીજા નંબર પર સરકી ગયો છે.

જાડેજાએ મોહાલી ટેસ્ટમાં કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો અને 7મા નંબર પર બેટિંગ કરતા વ્યક્તિગત સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેણે કપિલ દેવ દ્વારા રમેલી 163 રનની ઇનિંગ્સને પાછળ છોડી દીધી હતી. છેલ્લી વખત જાડેજા ઓગસ્ટ 2017માં નંબર વન પર હતો. તે એક અઠવાડિયા સુધી આ નંબર પર હતો.

ટોપ ટેનમાં ભારત માટે રવિચંદ્રન અશ્વિન ત્રીજા નંબરે છે. અશ્વિનના 347 પોઈન્ટ છે. તેણે શ્રીલંકા સામેની મેચમાં પણ બેટ અને બોલથી સારો દેખાવ કર્યો હતો. અશ્વિને 61 રનની ઇનિંગ રમી હતી જ્યારે 6 વિકેટ પણ લીધી હતી.

Exit mobile version