હાલમાં ચાહકો ફાસ્ટ ક્રિકેટ કરતાં ટી-20 મેચ જોવાનું વધુ પસંદ કરે છે. આ ફોર્મેટમાં બેટ્સમેનો દ્વારા આતશબાજી જોવા મળે છે સાથે જ મેચનું પરિણામ આવવામાં વધુ સમય નથી લાગતો.
T20 ફોર્મેટની લોકપ્રિયતાને કારણે, ચાહકો હવે ટેસ્ટ ક્રિકેટમાં ઓછો રસ લઈ રહ્યા છે, જેના કારણે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ લાવી છે. હવે ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. યુવરાજનું કહેવું છે કે T20 ક્રિકેટના આગમન સાથે ટેસ્ટ ક્રિકેટમાં પતન થયું છે.
વ્હાઇટ બોલ ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક યુવરાજે કહ્યું કે લોકો T20 ક્રિકેટ જોવા ઇચ્છે છે, ત્યારે T20 લીગના આકર્ષક પગારને કારણે ખેલાડીઓ પણ ટૂંકા ફોર્મેટમાં રમવા માટે ઉત્સુક છે.
યુવરાજે સ્પોર્ટ્સ 18ના હોમ ઓફ હીરોઝ પર કહ્યું, “ટેસ્ટ ક્રિકેટ મરી રહી છે. લોકો T20 ક્રિકેટ જોવા માંગે છે, લોકો T20 ક્રિકેટ રમવા માંગે છે. આજના સમયમાં ટી-20 ક્રિકેટ રમવાના 50 લાખ રૂપિયા મળી રહ્યા છે ત્યારે કોઈ પાંચ દિવસીય ક્રિકેટ રમવા માટે 5 લાખ રૂપિયા કેમ લેશે? જે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મેળવી શક્યા નથી તેમને 7-10 કરોડ રૂપિયા મળી રહ્યા છે.
ભારતની 2007 અને 2011ની વર્લ્ડ કપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહે પણ કહ્યું કે T20 ક્રિકેટને કારણે 50-ઓવરના ફોર્મેટમાં ચાહકોની રુચિ પણ ઘટી છે કારણ કે T20 ઝડપથી સમાપ્ત થાય છે.
“જો તમે T20 મેચ પછી 50-ઓવરની રમત જુઓ, તો તે એક ટેસ્ટ મેચ જેવી લાગે છે. 20 ઓવર પછી, એવું લાગે છે કે હજુ બેટિંગ કરવા માટે 30 ઓવર બાકી છે. તેથી દેખીતી રીતે T20 બધું છીનવી રહ્યું છે.”
