
હરનૂર સિંહની સદી અને બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે અંડર-19 એશિયા કપની પ્રથમ મેચમાં સંયુક્ત આરબ અમીરાતને 154 રનથી હરાવ્યું હતું.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પાંચ વિકેટે 282 રન બનાવ્યા હતા. હરનૂરે 130 બોલમાં 120 રન બનાવ્યા હતા જ્યારે સુકાની યશ ધુલે 68 બોલમાં 63 રન ઉમેર્યા હતા.
રાજવર્ધન હંગરગેકરે 23 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. UAEએ નવ બોલરોને અજમાવ્યા પરંતુ ભારતને મોટો સ્કોર કરતા રોકી શક્યું નહીં. જવાબમાં યજમાન ટીમ 34.3 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હંગરગેકરે 3 જ્યારે ગર્વ સાંગવાન, વિકી ઓસવાલ અને કૌશલ ટેમ્બલેને બે-બે વિકેટ ઝડપી હતી.
ભારતે હવે શનિવારે પાકિસ્તાન સામે રમવાનું છે. અન્ય મેચોમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને ચાર વિકેટે અને શ્રીલંકાએ કુવૈતને 274 રનથી હરાવ્યું હતું.
