શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 222 રનથી મોટી જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ બેંગ્લોરમાં શ્રીલંકા સામે પિંક બોલ ટેસ્ટ મેચ રમવાની છે.
ભારતની નજર 12 માર્ચથી રમાનારી આ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની ક્લીન સ્વીપ પર રહેશે. બેંગ્લોરનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ વિરાટ કોહલીનું હોમ ગ્રાઉન્ડ છે અને કોહલી ચોક્કસપણે તેની 101મી ટેસ્ટ મેચને યાદગાર બનાવવા માંગશે. વિરાટ કોહલીએ મોહાલીમાં શ્રીલંકા સામે તેની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમી હતી. તેણે આ ટેસ્ટ મેચમાં પોતાના 8000 રન પૂરા કર્યા.
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 8007 રન બનાવ્યા છે અને તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની બાબતમાં વિશ્વમાં 32મા સ્થાને છે. હવે તે બેંગલોર ટેસ્ટ મેચમાં બે બેટ્સમેનોનો રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સ્ટીવ વો 31માં નંબર પર છે, તેના નામે 8029 રન છે, જ્યારે સર ગેરી સોબર્સ 8032 રન સાથે 30માં નંબર પર છે. હવે બેંગ્લોર ટેસ્ટ મેચમાં કોહલી 23 રન બનાવીને સ્ટીવ વોનો રેકોર્ડ તોડશે, જ્યારે 26 રન બનાવીને સોબર્સનો રેકોર્ડ તોડશે અને બંનેને પાછળ છોડી દેશે.
આ બેટિંગ રેકોર્ડ્સ સિવાય, વિરાટ કોહલી શ્રીલંકા સામે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ ગેરી કર્સ્ટન, મખાયા એનટિની અને બ્રેન્ડન મેક્કુલમની બરોબરી કરશે જેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 101 ટેસ્ટ મેચ રમી હતી. વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે સચિન તેંડુલકર 200 મેચો સાથે નંબર વન પર છે. વિરાટ કોહલી ફરી એકવાર 101મી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને તેના બે વર્ષના સદીના દુષ્કાળનો અંત લાવે તેવી અપેક્ષા રાખવામાં આવશે.