બહેરીનની મહિલા ક્રિકેટ ટીમે સાઉદી અરેબિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું. GCC મહિલા T20 ચેમ્પિયનશિપ કપ 2022માં બહેરીને સાઉદી અરેબિયાને 269 રનથી હરાવ્યું. આ ચેમ્પિયનશિપની સાતમી મેચ હતી.
ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ઓમાન ક્રિકેટ સ્ટેડિયમમાં બહેરીને એક વિકેટના નુકસાન પર 318 રન બનાવ્યા અને ત્યારબાદ સાઉદી અરેબિયાને 49/8 સુધી મર્યાદિત કરી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ (પુરુષ અને મહિલા) ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર પોસ્ટ કર્યા બાદ બહેરીન જીત્યું. આ પહેલા આ રેકોર્ડ યુગાન્ડાની મહિલા ટીમના નામે હતો જેણે 2019માં માલી સામેની મેચમાં 314 રન બનાવ્યા હતા.
બહેરીનની ટીમની સાથે તેની 38 વર્ષની કેપ્ટન દીપિકા રસાંગિકાએ પણ એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 થી વધુ રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. તે 66 બોલમાં 161 રન બનાવીને સાઉદી અરેબિયા સામે અણનમ રહીને પેવેલિયન પરત ફરી હતી. તેને મહિલા T20 આંતરરાષ્ટ્રીયમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર માટે ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી અને મેગ લેનિંગને પાછળ છોડી દીધી છે. હીલીએ 2019માં શ્રીલંકા સામે 61 બોલમાં અણનમ 148 રન બનાવ્યા હતા જ્યારે લેનિંગે તે જ વર્ષે ઈંગ્લેન્ડ સામે 63 બોલમાં અણનમ 133 રન ઉમેર્યા હતા.
દીપિકા હાલમાં બહેરીનનું નેતૃત્વ કરી રહી છે, પરંતુ તે શ્રીલંકા તરફથી પણ રમી ચૂકી છે. તે 2008 થી 2014 સુધી શ્રીલંકાની ટીમનો ભાગ હતી. કોલંબોમાં જન્મેલી, દીપિકાએ તેની 14 વર્ષની કારકિર્દીમાં કુલ 35 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે આ સમયગાળા દરમિયાન 22.54ની એવરેજ અને 97.06ના સ્ટ્રાઈક રેટથી 496 રન બનાવ્યા છે, જેમાં માત્ર એક સદી સામેલ છે. આ સિવાય દીપિકા 31 વનડેમાં મેદાન પર જોવા મળી છે, જેમાં તે 18.19ની એવરેજ અને 67.76ની સ્ટ્રાઈક રેટથી 698 રન બનાવ્યા છે. તેણે વનડેમાં બે અડધી સદી ફટકારી હતી.