મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. ટીમ અત્યાર સુધીમાં પાંચ વખત ટ્રોફી જીતી ચુકી છે. પરંતુ લીગની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે જેટલી પહેલા ક્યારેય ન હતી.
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022માં તેની પ્રથમ 8 મેચ હારી ગઈ છે અને ટીમ ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. સતત આઠ હાર બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે.
મુંબઈ ઈન્ડિયન્સ રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 36 રનથી હારી ગઈ હતી. આ સિઝનની પ્રથમ આઠ મેચોમાં મુંબઈની આ સતત આઠમી હાર છે. આ હાર સાથે IPLમાં મુંબઈના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ટીમ તેની પ્રથમ 8 મેચ હારી ગઈ હોય. તે જ સમયે, લીગના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે મુંબઈ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. અગાઉ, તે 2008, 2009, 2016, 2018 અને 2021માં પ્લેઓફમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ હતી.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આઈપીએલ ઈતિહાસનો પહેલો કેપ્ટન બની ગયો છે, જેની કેપ્ટન્સીમાં ટીમને સતત આઠ મેચ હારવી પડી છે. રોહિતની કપ્તાની હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સ IPL 2022 માં સતત આઠ મેચ હારી છે. રોહિત સતત આઠ મેચ હારી ગયા બાદ હવે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ચર્ચામાં આવી ગયો છે. વાસ્તવમાં પાકિસ્તાનનો કેપ્ટન પણ સતત આઠ મેચ હારી ચૂક્યો છે. બાબરની કપ્તાની હેઠળ, કરાચી કિંગ્સને આ વર્ષે પાકિસ્તાન સુપર લીગ (PSL 2022)માં સતત આઠ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.