દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ડ્વેન પ્રિટોરિયસે ભારત સામેની પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પહેલા IPL 2022માં રમવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે ડેબ્યૂ કર્યું હતું.
IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક, CSK એ તેમની ટીમમાં ડ્વેન પ્રિટોરિયસને રૂ. 50 લાખની મૂળ કિંમતમાં સામેલ કર્યો હતો. સીએસકે માટે સીઝન અત્યંત નિરાશાજનક હોવા છતાં, દક્ષિણ આફ્રિકન ઓલરાઉન્ડર 6 મેચોમાં તેની તેજસ્વીતાથી ઘણાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો. હાલમાં તે ટીમ ઈન્ડિયા સામે 9 જૂનથી રમાનાર ટી20 ઈન્ટરનેશનલ સીરીઝની તૈયારીઓમાં વ્યસ્ત છે.
ડ્વેન પ્રેટોરિયસે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું: “મારી પ્રથમ IPL સિઝન એક શાનદાર અનુભવ હતી. હું હંમેશાથી IPLમાં રમવા માંગતો હતો અને જ્યારે મને ટૂર્નામેન્ટની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી CSK માટે રમવાની તક મળી ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો. IPL 2022 માં CSK તરફથી રમી દરેક ક્ષણોનો મેં ખૂબ આનંદ લીધો. મને એમએસ ધોની સાથે રમવાની અને બેટિંગ કરવાની ખરેખર મજા આવી. ભારતમાં ધોનીની બ્રાન્ડ વેલ્યુ દર્શાવે છે કે તે કેટલો મોટો ખેલાડી છે અને તેણે ક્રિકેટના ક્ષેત્રમાં પોતાના દેશ માટે શું કર્યું છે, તેણે કેટલું યોગદાન આપ્યું હશે.”
તેણે આગળ કહ્યું, “મેં ધોની પાસેથી સૌથી મોટી વસ્તુ શીખી છે કે કેવી રીતે ક્રિઝ પર શાંત રહેવું, તે બેટિંગ કરતી વખતે ખૂબ જ શાંત રહે છે અને તે પોતાની જાત પરનું દબાણ દૂર કરીને બોલર પર કેવી રીતે મૂકવાનો પ્રયાસ કરે છે.
તેણે મને અહેસાસ કરાવ્યો કે ડેથ ઓવરોમાં બેટ્સમેન નહીં પરંતુ બોલરો વધુ દબાણમાં હોય છે. જો તમારે છેલ્લા ત્રણ બોલમાં 18 રનનો બચાવ કરવો પડે, તો પણ તમે મેચ હારી શકો છો, અને તે સ્થિતિમાં પણ બેટ્સમેન મેચ જીતી શકે છે. આ એક નવી માનસિકતા છે જે મેં IPLમાં ધોની પાસેથી શીખી છે.”