દિનેશ કાર્તિકની કેપ્ટન્સીમાં ભારતે શુક્રવારે ડર્બીશાયર સામે પ્રથમ વોર્મ-અપ મેચ રમી હતી અને ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી.
ટીમ ઈન્ડિયાની જીતનો હીરો દીપક હુડ્ડા હતો, જેણે શાનદાર અડધી સદીની ઈનિંગ્સ રમીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પહેલા રમતા ડર્બીશાયરની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 150 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટીમે 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ડર્બિશાયરે ભારતને જીતવા માટે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સંજુ સેમસન અને રૂતુરાજ ગાયકવાડે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રૂતુરાજ રન બનાવવામાં સફળ રહ્યો ન હતો અને માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે સંજુએ 30 બોલમાં એક સિક્સર અને 4 ફોરની મદદથી 38 રનની ઇનિંગ રમી હતી. આ પછી દીપક હુડ્ડાએ 37 બોલમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 59 રનની ઝડપી ઈનિંગ રમી અને ટીમને જીતના માર્ગ પર લાવી અને આઉટ થયો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 36 રન અને કેપ્ટન દિનેશ કાર્તિકે 7 બોલમાં અણનમ 7 રન ફટકારીને ટીમને 7 વિકેટે જીત અપાવી હતી.
પ્રથમ બેટિંગ કરતા ડર્બી શાયરે 8 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. આ ટીમ માટે મેડસેને સૌથી વધુ 28 રનની ઇનિંગ્સ રમી હતી. તે જ સમયે કેપ્ટન મસૂદે માત્ર 8 રન બનાવ્યા હતા. આ પછી કાર્ટરાઈટે 27 રન, બ્રુક ગેસ્ટે 23 રન, એલેક્સ હ્યુજીસે 24 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને બે-બે જ્યારે અક્ષર પટેલ અને વેંકટેશ અય્યરને એક-એક સફળતા મળી હતી.