ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ઉદારતા બતાવીને મોટો નિર્ણય લીધો છે. સ્ટોક્સે જાહેરાત કરી છે કે તે પાકિસ્તાન ટેસ્ટ શ્રેણીમાંથી મળેલી રકમ ત્યાંના પૂર પીડિતો માટે દાન કરશે.
આ વર્ષે જૂનમાં મુશળધાર વરસાદને કારણે પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ભયંકર પૂર આવ્યું હતું. પૂરમાં 3.3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા હતા, જ્યારે 1700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
સ્ટોક્સે સોમવારે ટ્વીટ કર્યું, ‘વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનને પૂરથી તબાહ થયેલું જોવું એ ખૂબ જ હૃદયદ્રાવક ક્ષણ હતી અને તેની દેશ અને તેના લોકો પર ઊંડી અસર પડી છે. રમતે મને જીવનમાં ઘણું બધું આપ્યું છે અને ક્રિકેટથી આગળ વધે તેવું કંઈક પાછું આપવું મહત્વપૂર્ણ છે. હું આ ટેસ્ટ શ્રેણી માટે મારી મેચ ફી પાકિસ્તાનના પૂર પીડિતોને દાન કરીશ. સ્ટોક્સે આશા વ્યક્ત કરી હતી કે પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્વસનમાં તેમના પ્રયાસો ખૂબ આગળ વધશે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 17 વર્ષ બાદ ટેસ્ટ સીરીઝ રમવા પાકિસ્તાન આવી છે. ત્રણ મેચોની શ્રેણીની શરૂઆત 1 ડિસેમ્બરે રાવલપિંડી ટેસ્ટથી થશે.
તમને જણાવી દઈએ કે, પ્રથમ ટેસ્ટ મેચ 1 થી 5 ડિસેમ્બર, બીજી 9 થી 13 ડિસેમ્બર અને ત્રીજી 17 થી 21 ડિસેમ્બર સુધી રમાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં કુલ 24 ટેસ્ટ મેચ રમી છે, જેમાં બેમાં જીત, ચારમાં હાર અને બાકીની 18 ટેસ્ટ મેચ ડ્રો રહી છે.
I’m donating my match fees from this Test series to the Pakistan Flood appeal ❤️🇵🇰 pic.twitter.com/BgvY0VQ2GG
— Ben Stokes (@benstokes38) November 28, 2022