ભારતીય ઓપનર શુભમન ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની ODI બેટિંગ રેન્કિંગમાં તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચી ગયો છે. ગિલ ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં ગિલ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ટોપ-10 વનડે બેટ્સમેનોમાં સામેલ છે.
વિરાટ કોહલી એક સ્થાનનો ફાયદો ઉઠાવીને સાતમા સ્થાને પહોંચી ગયો છે જ્યારે સુકાની રોહિત શર્મા આઠમા સ્થાને યથાવત છે.
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ નંબર-1 ODI બેટ્સમેન છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટોપ 10માં યથાવત છે, તે આ યાદીમાં એકમાત્ર ભારતીય બોલર છે. તે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટથી પાછળ ત્રીજા નંબરે છે. બેટ્સમેનોની યાદીમાં દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ 13 સ્થાનનો ફાયદો ઉઠાવીને 41મા સ્થાને પહોંચી ગયો છે અને ઓલરાઉન્ડરોની યાદીમાં 16 સ્થાનના ફાયદા સાથે 32મા સ્થાને પહોંચી ગયો છે.
જોહાનિસબર્ગમાં ત્રણ મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ્સને 2-0થી હરાવ્યું. બેટ્સમેનોની યાદીમાં ન્યૂઝીલેન્ડના હેનરી નિકોલ્સ બે સ્થાનના ફાયદા સાથે 69માં સ્થાને પહોંચી ગયો છે.
T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવે પણ બેટ્સમેનોની યાદીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડરની યાદીમાં પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. બાંગ્લાદેશનો લિટન દાસ એક સ્થાન આગળ વધીને તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં નંબર 21 પર પહોંચી ગયો છે. બોલરોની યાદીમાં મહિષ તિક્ષ્ણા ત્રણ સ્થાનના ફાયદા સાથે 10મા સ્થાને પહોંચી ગયો છે જ્યારે બાંગ્લાદેશનો તસ્કીન અહેમદ ત્રણ સ્થાનના ફાયદા સાથે 36મા સ્થાને પહોંચી ગયો છે.
