ભારતના 22 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં તોફાની બેવડી સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે. જયસ્વાલે 236 બોલમાં 214 અણનમ રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી, જેમાં તેણે 14 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા.
તેની ઈનિંગ જોઈને દરેક તેના ફેન બની ગયા છે અને આ સિરીઝમાં ઈંગ્લેન્ડના પૂર્વ મહાન ઓપનર એલિસ્ટર કૂકે પણ આ યુવા ખેલાડીના વખાણ કર્યા છે. જયસ્વાલે પોતાની ઇનિંગમાં 12 સિક્સર ફટકારી હતી અને આ 12 સિક્સર જોયા બાદ કુક પણ પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શક્યો નહીં.
કૂક એકદમ સાચો છે કારણ કે જયસ્વાલે ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં 12 સિક્સ ફટકારી હતી, જ્યારે એલિસ્ટર કૂકે તેની 161 ટેસ્ટ મેચની કારકિર્દીમાં માત્ર 11 સિક્સર ફટકારી હતી. કૂકનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ સાથે જ જયસ્વાલે આ ઈનિંગમાં બીજા ઘણા રેકોર્ડ પણ તોડી નાખ્યા. તે ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે 1996માં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ઇનિંગ્સમાં 12 સિક્સર ફટકારનારા પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમની બરાબરી કરી હતી.
આ સિવાય ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ બેટ્સમેને સિરીઝમાં 20 કે તેથી વધુ સિક્સર ફટકારી હોય. વર્તમાન શ્રેણીની પ્રથમ 3 ટેસ્ટમાં તેણે 22 છગ્ગા ફટકાર્યા છે. આ પહેલા રોહિત શર્માએ 2019માં સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં 19 સિક્સર ફટકારી હતી.
