
શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાએ પણ ટી 20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. મલિંગા પહેલાથી જ ટેસ્ટ અને વનડેમાંથી સંન્યાસ લઇ ચૂક્યો છે. મલિંગા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો છે અને આ લીગમાં સૌથી સફળ બોલર છે. આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે છે.
લસિથ મલિંગાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘હું હવે ક્રિકેટના દરેક ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું. મારી મુસાફરીમાં મને ટેકો આપનારાઓનો આભાર. હવે હું આગામી વર્ષોમાં યુવા ક્રિકેટરો સાથે મારા અનુભવો શેર કરીશ.’
તમને જણાવી દઈએ કે મલિંગા ગયા વર્ષથી ટી-20 ક્રિકેટથી દૂર છે. તેણે આઈપીએલ 2020 માંથી પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું હતું અને મુંબઈ ઈન્ડિયન્સે જાણ કરી હતી કે મલિંગાએ હવે રમતને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. મલિંગા ટી-20ના સૌથી સફળ બોલરોમાંથી એક છે. તેની ટી-20 કારકિર્દી બેજોડ હતી. મલિંગા વિશ્વભરની 29 ટીમોનો ભાગ રહ્યો છે. તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સનો મહત્વનો સભ્ય હતો.
મલિંગાએ આઈપીએલમાં 170 વિકેટ લીધી છે. આ સાથે જ ટી-20 કારકિર્દીની વાત કરીએ તો તેણે 83 મેચમાં 107 વિકેટ ઝડપી છે. તેણે 30 ટેસ્ટ મેચમાં 101 વિકેટ લીધી છે જ્યારે તેણે 226 વનડેમાં 338 વિકેટ લીધી છે. મલિંગાએ શ્રીલંકા માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 546 વિકેટ લીધી છે. તેણે 2011માં ટેસ્ટ ક્રિકેટ અને 2019માં વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
