મહિલા T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 12 જૂનથી ઇંગ્લેન્ડમાં થવાની છે, જ્યાં 5 જુલાઈ સુધી ક્રિકેટનો મહાસંગ્રામ રમાશે. આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે ન્યૂઝીલેન્ડે પોતાની 15 સભ્યોની સ્ક્વાડની જાહેરાત કરી છે. ટીમની જાહેરાત સાથે જ એક મોટી ખબર પણ સામે આવી છે—અનુભવી ખેલાડીઓ સૂજી બેટ્સ, સોફી ડિવાઇન અને લી તાહુહૂ વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે.
ટીમની કમાન એક વખત ફરીથી યુવા ઓલરાઉન્ડર અમેલિયા કેરના હાથમાં સોંપવામાં આવી છે. તેની આગેવાનીમાં 2024ની ચેમ્પિયન ટીમના 10 ખેલાડીઓને ફરી તક આપવામાં આવી છે, જે ટીમ માટે સ્થિરતા અને અનુભવ લાવશે. સાથે જ નવા ચહેરાઓ તરીકે નેન્સી પટેલ અને 21 વર્ષની ઇજી શાર્પને પ્રથમ વખત વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે.
હેડ કોચ બેન સોયરે ટીમની પસંદગી અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે ટીમમાં અનુભવ અને યુવા ટેલેન્ટનું સરસ સંતુલન છે. છેલ્લા કેટલાક મહિનામાં ટીમે શાનદાર ફોર્મ બતાવ્યું છે, જેમાં છેલ્લાં 8માંથી 7 T20 મેચોમાં જીત મેળવી છે. સોયરે ખાસ કરીને ત્રણ સિનિયર ખેલાડીઓના યોગદાનની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ માટે આ વર્લ્ડ કપ ખાસ રહેશે.
ન્યૂઝીલેન્ડ ગ્રુપ-2માં છે, જેમાં ઇંગ્લેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, સ્કોટલેન્ડ અને આઇરલેન્ડ જેવી મજબૂત ટીમોનો સમાવેશ થાય છે. હવે નજર રહેશે કે શું કિવી ટીમ પોતાના અનુભવી ખેલાડીઓને વિજય સાથે વિદાય આપી શકે છે કે નહીં.
