પાકિસ્તાન ક્રિકેટ ટીમના યુવા સ્ટાર બેટ્સમેન Saim Ayubનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવતા સઈમ અયૂબ પ્રેક્ટિસ દરમિયાન માત્ર 9 વર્ષના બાળકની બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા હતા, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા જગાઈ છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક નાનકડો બાળક સઈમ અયૂબને બોલિંગ કરી રહ્યો છે. અયૂબે બોલને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો બેટને ચૂકી વિકેટમાં જઈ લાગ્યો. આ દ્રશ્ય જોઈ આસપાસ હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ખાસ વાત એ રહી કે આઉટ થયા બાદ સઈમ અયૂબે બાળક માટે તાળી પણ પાડી હતી અને પ્રેક્ટિસ પૂર્ણ થયા બાદ તેન બોલ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. અયૂબના આ વર્તનની સોશિયલ મીડિયા પર પ્રશંસા પણ થઈ રહી છે.
23 વર્ષીય Saim Ayub હાલમાં પાકિસ્તાનની વ્હાઇટ-બોલ ટીમના મહત્વના ખેલાડી ગણાય છે. તે અત્યાર સુધી પાકિસ્તાન માટે 8 ટેસ્ટ, 17 વનડે અને 67 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે. જોકે તાજેતરમાં તેના ખરાબ ફોર્મને કારણે તેને પાકિસ્તાનની વનડે ટીમમાંથી બહાર કરવામાં આવે તેવી ચર્ચા તેજ બની છે.
અહેવાલો મુજબ, ઓસ્ટ્રેલિયા સામેની આગામી વનડે શ્રેણી પહેલા જાહેર કરાયેલા 28 સભ્યોના ટ્રેનિંગ કેમ્પમાં સઈમ અયૂબનું નામ સામેલ નહોતું. બીજી તરફ પાકિસ્તાન સુપર લીગ 2026માં પણ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેણે 13 મેચોમાં માત્ર 258 રન બનાવ્યા હતા, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 119 રહ્યો હતો.
After being clean bowled, Saim Ayub graciously signed an autograph for the young bowler pic.twitter.com/kgaPPhIYoF
— P Connect (@ConnectingPak) May 14, 2026
