Shreyas Iyer માટે IPL 2026ની સિઝનમાં વધુ એક ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ધર્મશાલામાં રમાયેલી મેચમાં ટોસ માટે મેદાન પર ઉતર્યો. આ મેચ સાથે જ તે IPL ઇતિહાસમાં 100 મેચમાં કેપ્ટનશીપ કરનાર માત્ર પાંચમો ખેલાડી બન્યો.
પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે રમતા શ્રેયસ અય્યરે આ પહેલાં Delhi Capitals અને Kolkata Knight Riders ની પણ આગેવાની સંભાળી હતી. ખાસ કરીને IPL 2024માં તેણે કોલકાતાને પોતાની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે તેણે IPLના સૌથી સફળ અને અનુભવી કેપ્ટનોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
IPLમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ MS Dhoni ના નામે છે, જેણે 235 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. ત્યારબાદ Rohit Sharma (158 મેચ), Virat Kohli (143 મેચ) અને Gautam Gambhir (129 મેચ) નો નંબર આવે છે. હવે શ્રેયસ અય્યર પણ આ પ્રતિષ્ઠિત ક્લબનો ભાગ બની ગયો છે.
અય્યરે પોતાની પહેલી 99 IPL મેચોમાં કેપ્ટન તરીકે 54 જીત મેળવી છે, જ્યારે 40 મેચોમાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમોના પ્રદર્શનને કારણે તેને આધુનિક T20 ક્રિકેટના આક્રમક અને આત્મવિશ્વાસી કેપ્ટનોમાં ગણવામાં આવે છે.
જો કે એક રસપ્રદ આંકડો એવો પણ છે કે પુરુષ T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 200થી વધુ સ્કોર આપનાર કેપ્ટન તરીકે પણ શ્રેયસ અય્યર ટોચ પર છે. તેની આગેવાની હેઠળ અત્યાર સુધી 31 વખત વિરોધી ટીમોએ 200થી વધુનો સ્કોર બનાવ્યો છે, જે તેના માટે ચિંતાનો વિષય પણ માનવામાં આવે છે.
