IPL 2026ના એલિમિનેટર મુકાબલા પહેલાં Pat Cumminsએ રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટાર Vaibhav Suryavanshiને લઈને મોટું નિવેદન આપ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ન્યૂ ચંડીગઢમાં રમાનારા આ હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલાં કમિન્સે સ્વીકાર્યું કે વૈભવ હાલમાં સૌથી ખતરનાક બેટ્સમેનમાંથી એક બની ગયો છે અને તેને રોકવા માટે ટીમે ‘પ્લાન B અને પ્લાન C’ પણ તૈયાર રાખ્યા છે.
કમિન્સે જણાવ્યું કે પ્લેઓફ જેવી મેચોમાં માત્ર સામાન્ય યોજના કામ કરતી નથી. કેટલાક ખેલાડીઓ એવા હોય છે જે એકલા હાથે મેચ છીનવી શકે અને વૈભવ એવો જ ખેલાડી છે. તેથી બોલિંગ યુનિટે તેની સામે અલગ-અલગ વિકલ્પો પર કામ કર્યું છે. કમિન્સે કહ્યું કે છેલ્લી વખત વૈભવે SRH સામે શાનદાર સદી ફટકારી હતી, છતાં કેટલાક તબક્કે ટીમે તેને નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવી હતી અને હવે તે અનુભવમાંથી શીખ લઈને નવી રણનીતિ બનાવાઈ રહી છે.
SRHના કેપ્ટને એ પણ કહ્યું કે તેની ટીમ એલિમિનેટરમાં ડિફેન્સિવ ક્રિકેટ નહીં રમે, પરંતુ વધુ આક્રમક અભિગમ અપનાવશે. કમિન્સના મતે ટૂર્નામેન્ટ જીતવા માટે હવે સતત ત્રણ મેચ જીતવી પડશે અને તેની ટીમ પહેલાથી આવી સિરીઝમાં સતત પાંચ જીત મેળવી ચૂકી છે, તેથી ખેલાડીઓમાં આત્મવિશ્વાસ છે.
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી દરેકને પ્રભાવિત કર્યો છે. ખાસ કરીને SRH સામે તેની ઝડપી સદી બાદ પેટ કમિન્સે તેને “મારો નવો ફેવરિટ ખેલાડી” પણ ગણાવ્યો હતો. હવે એલિમિનેટર મુકાબલામાં ફરી એકવાર વૈભવ અને કમિન્સ વચ્ચેની ટક્કર પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
