IPL 2026 માત્ર અનુભવી ખેલાડીઓ માટે જ નહીં પરંતુ યુવા પ્રતિભાઓ માટે પણ યાદગાર સાબિત થઈ છે. આ સીઝનમાં અનેક અનકેપ્ડ ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. હવે એવી ચર્ચા જોર પકડી રહી છે કે આમાંથી કેટલાક ખેલાડીઓને ટૂંક સમયમાં ભારતીય ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
આ યાદીમાં સૌથી મોટું નામ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું છે. રાજસ્થાન રોયલ્સ માટે રમતા આ ડાબોડી બેટરે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે IPL 2026માં 776 રન બનાવીને ઓરેન્જ કેપ પણ જીતી હતી અને તેના ભારત માટે રમવાના અવાજો સતત ઉઠી રહ્યા છે. અનેક પૂર્વ ક્રિકેટરોએ પણ તેના તાત્કાલિક ટીમ ઈન્ડિયા ડેબ્યૂની માંગ કરી છે.
વૈભવ ઉપરાંત પંજાબ કિંગ્સના વિસ્ફોટક ઓપનર પ્રિયાંશ આર્યાએ પણ પોતાની છાપ છોડી છે. તેની આક્રમક બેટિંગ અને ઝડપી સદીના કારણે પસંદગીકારોનું ધ્યાન તેના તરફ ગયું છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટર આયુષ મ્હાત્રેએ પણ મળેલી તકનો ભરપૂર લાભ લીધો. મધ્યક્રમમાં તેની પરિપક્વ બેટિંગે સૌને પ્રભાવિત કર્યા છે.
આ સિવાય પ્રિન્સ યાદવ, કાર્તિક શર્મા અને સમીર રિઝવી જેવા ખેલાડીઓએ પણ IPLમાં સતત પ્રભાવશાળી દેખાવ કર્યો છે. ખાસ કરીને દબાણની સ્થિતિમાં તેમના પ્રદર્શનને કારણે તેઓ ભવિષ્યના ભારતીય ખેલાડીઓ તરીકે જોવામાં આવી રહ્યા છે.
ભારતીય ટીમ આગામી મહિનાઓમાં અનેક દ્વિપક્ષીય સિરીઝ અને મોટા ટૂર્નામેન્ટ રમવાની છે. આવી સ્થિતિમાં પસંદગીકારો યુવા પ્રતિભાઓને તક આપવા માંગે છે. જો IPLનું ફોર્મ અને પ્રતિભા જ માપદંડ બનશે, તો આ પાંચ અનકેપ્ડ સ્ટાર્સમાંથી કેટલાક ખેલાડીઓ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળે તો નવાઈ નહીં.
