મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરતાં પાકિસ્તાનને 64 રને હરાવ્યું હતું. આ મેચ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો, જેમાં ભારતીય કેપ્ટન Harmanpreet Kaur અને પાકિસ્તાની કેપ્ટન Fatima Sana વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે હવે આ વીડિયોની હકીકત સામે આવી છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક પાકિસ્તાની ખેલાડી ભારતીય બેટર સાથે ધક્કામુક્કી કરે છે અને ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી શરૂ થાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાને હરમનપ્રીત કૌર અને ફાતિમા સના વચ્ચેનો વિવાદ ગણાવીને શેર કરી હતી. પરંતુ ઉપલબ્ધ માહિતી મુજબ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન અથવા ત્યારબાદ બંને કેપ્ટન વચ્ચે કોઈપણ પ્રકારની શારીરિક અથડામણ કે વિવાદ થયો હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.
રિપોર્ટ અનુસાર વાયરલ ક્લિપમાં અનેક ટેક્નિકલ ખામીઓ જોવા મળે છે. વીડિયોના કેટલાક ભાગોમાં મેદાન પર ખેલાડીઓની સંખ્યા અને તેમની સ્થિતિ અસંગત દેખાય છે, જેના કારણે તેને AI અથવા એડિટિંગની મદદથી તૈયાર કરાયેલો વીડિયો માનવામાં આવી રહ્યો છે. આ કારણે વીડિયો ભ્રામક હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એજબાસ્ટનમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 170/6નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ દરમિયાન બંને દેશોની ટીમો વચ્ચે અગાઉની જેમ “નો-હેન્ડશેક” નીતિ પણ ચાલુ રહી હતી અને ટોસ સમયે પણ હરમનપ્રીત કૌર તથા ફાતિમા સનાએ પરંપરાગત હેન્ડશેક કર્યું નહોતું.
આ રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ઝઘડાનો વીડિયો હકીકતમાં ખોટો અને ભ્રામક હોવાનું સ્પષ્ટ થયું છે.
🇮🇳🇵🇰 Women’s World Cup 2026: Heated On-Field Clash! 🔥
A heated Argument broke out Between Indian Captain Harmanpreet Kaur and Pakistan captain Fatima Sana during the India vs Pakistan match in the Women’s World Cup 2026.🤔 pic.twitter.com/zWPHCAr6pN
— Pintu Singh (@pintusi11376418) June 15, 2026
