ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાઈ રહેલી પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં એક મોટું આશ્ચર્ય જોવા મળ્યું. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં તેની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલા શિવમ દુબેને સીધી જ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું. આ સાથે દુબેએ સમગ્ર 706 દિવસ બાદ ભારતીય વનડે ટીમમાં વાપસી કરી છે.
શિવમ દુબેએ ભારત માટે પોતાની છેલ્લી વનડે 7 ઓગસ્ટ, 2024ના રોજ શ્રીલંકા સામે રમી હતી. ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી વનડે ટીમથી બહાર રહ્યા હતા. જોકે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલાં હાર્દિક પંડ્યાની ઈજાએ તેના માટે ફરી તક ઉભી કરી. પસંદગી બાદ પ્રથમ જ મેચમાં તેમને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળતા તેની માટે આ કારકિર્દીનું મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યું છે.
શિવમ દુબે છેલ્લા કેટલાક સમયથી ભારતની ટી-20 ટીમના મહત્વના સભ્ય રહ્યા છે. તેઓ ભારતની બે ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે. પોતાની આક્રમક બેટિંગ અને ઉપયોગી મધ્યમ ગતિની બોલિંગના કારણે તેઓ ટીમને સંતુલન આપે છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં પણ તેણે શરૂઆતમાં જ વિલ જેક્સ જેવી ખતરનાક વિકેટ ઝડપી પોતાની ઉપયોગિતા સાબિત કરી.
ભારતીય ટીમ મેનેજમેન્ટ હવે દુબેને વનડે ફોર્મેટમાં પણ હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે તૈયાર કરવા ઇચ્છે છે. જો તેઓ આ તકનો પૂરતો લાભ ઉઠાવી બેટ અને બોલ બંનેથી સતત પ્રભાવશાળી દેખાવ કરશે તો આગામી વનડે શ્રેણીઓ અને 2027 વર્લ્ડ કપની યોજનાઓમાં પણ પોતાનું સ્થાન મજબૂત બનાવી શકે છે.
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે માટે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, ગુરનૂર બ્રાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
After 706 days, Shivam Dube returns to India’s ODI squad against England. 💪🏏#ShivamDube pic.twitter.com/Qtgkf3DORH
— CricTracker (@Cricketracker) July 14, 2026
