ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન ફરોખ એન્જિનિયરે યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે માનવું છે કે 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે અત્યારથી જ વૈભવ સૂર્યવંશીને વનડે ટીમમાં તક આપવી જોઈએ. એટલું જ નહીં, તેણે સૂચન કર્યું કે વૈભવને અનુભવી ઓપનર રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરાવવી જોઈએ, જ્યારે શુભમન ગિલને નંબર-4 પર બેટિંગ માટે મોકલવો જોઈએ.
ફરોખ એન્જિનિયરના મતે શુભમન ગિલ હાલ ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે અને તે મધ્યક્રમમાં પણ સફળતાપૂર્વક ટીમને સંભાળી શકે છે. બીજી તરફ ડાબોડી બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને જમણા હાથના રોહિત શર્માની જોડી ભારતને ડાબા-જમણા હાથનું અસરકારક ઓપનિંગ કોમ્બિનેશન આપી શકે છે, જે વિરોધી ટીમો માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. તેણે કહ્યું કે વિરાટ કોહલી નંબર-3 પર અને ગિલ નંબર-4 પર રમે તો ભારતની બેટિંગ વધુ મજબૂત બની શકે છે.
ઝિમ્બાબ્વે સામે તાજેતરમાં પૂર્ણ થયેલી ટી20 શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ મેચમાં 151 રન બનાવ્યા હતા અને બે અડધી સદી સાથે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો ખિતાબ જીત્યો હતો. તેના આક્રમક અંદાજ અને આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈને એન્જિનિયરે કહ્યું કે હવે તેને વનડે ક્રિકેટમાં તક આપવાનો યોગ્ય સમય આવી ગયો છે.
એન્જિનિયરે વધુમાં જણાવ્યું કે વૈભવ જેવી કુદરતી પ્રતિભા પર વધુ કોચિંગનો બોજ ન મૂકવો જોઈએ. તેના સ્વાભાવિક આક્રમક રમતને જાળવી રાખવામાં આવે તો તે ભારત માટે અનેક મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તેના મતે વૈભવ શરૂઆતમાં ઝડપી રન બનાવશે તો મધ્યક્રમના બેટ્સમેનોને ઇનિંગ્સને મજબૂત બનાવવાનો પૂરતો સમય મળશે, જે 2027ના વર્લ્ડ કપ માટે ભારતને વધુ સંતુલિત અને ખતરનાક ટીમ બનાવી શકે છે.
Farok Engineer makes a bold call on India’s ODI opening pair 🇮🇳💥
Is a left-right combo with Rohit and Sooryavanshi the way forward, or is Gill indispensable at the top? pic.twitter.com/S4xt9ODf1d
— CricInformer (@CricInformer) July 27, 2026
