આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પાકિસ્તાનના ઝડપી બોલરો મોહમ્મદ અબ્બાસ અને ખુર્રમ શહઝાદ સામે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે તારૌબા ખાતે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) શ્રેણીની પ્રથમ ટેસ્ટ દરમિયાન બંને ખેલાડીઓએ વિકેટ લીધા બાદ આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી, જેને ICCએ ખેલભાવના વિરુદ્ધ ગણાવી સજા ફટકારી છે.
ICCના નિવેદન અનુસાર ખુર્રમ શહઝાદને મેચ ફીની 15 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત તેમના નામે એક ડિમેરિટ પોઈન્ટ પણ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ મોહમ્મદ અબ્બાસને સત્તાવાર ઠપકો (Official Reprimand) આપવામાં આવ્યો છે અને તેમને પણ એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં બંને ખેલાડીઓ સામે આ પ્રકારનો કોઈ અગાઉનો ગુનો નોંધાયો ન હોવાથી આ તેમની પ્રથમ શિસ્તભંગની ઘટના ગણાઈ છે.
ICCના કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.5 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ નિયમ મુજબ બેટ્સમેન આઉટ થયા પછી એવા શબ્દો, હાવભાવ અથવા ઉજવણી કરવી કે જે સામેના ખેલાડીને ઉશ્કેરે અથવા આક્રમક પ્રતિક્રિયા આપવા પ્રેરિત કરે, તે શિસ્તભંગની શ્રેણીમાં આવે છે. ખુર્રમ શહઝાદે શાઈ હોપને આઉટ કર્યા બાદ તેમની ખૂબ નજીક જઈને આક્રમક ઉજવણી કરી હતી, જ્યારે મોહમ્મદ અબ્બાસે જોમેલ વોરિકનના આઉટ થયા પછી ઉગ્ર હાવભાવ સાથે ઉજવણી કરી હતી.
બંને ખેલાડીઓએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને મેચ રેફરી જેફ ક્રોની ભલામણ મુજબની સજા પણ સ્વીકારી હતી. તેથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી. મેદાન પરના અમ્પાયર એલેક્સ વ્હાર્ફ, રિચર્ડ કેટલબરો અને ત્રીજા અમ્પાયર જયરામન મદનગોપાલે બંને ખેલાડીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને વેસ્ટ ઇન્ડિઝ સામે 90 રનની હારનો સામનો કરવો પડ્યો હતો.
पाकिस्तान के दो तेज गेंदबाजों पर ICC का एक्शन, आक्रामक जश्न मनाना पड़ा भारीhttps://t.co/jfkrvbM30i
— India TV (@indiatvnews) July 29, 2026
