ઇંગ્લેન્ડ ક્રિકેટ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માત્ર 25 વર્ષની ઉંમરે ફાસ્ટ બોલર જ્હોન ટર્નરે વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સતત ઈજાઓના કારણે પોતાની કારકિર્દી આગળ વધારવી મુશ્કેલ બનતાં ટર્નરે આ કઠિન નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જન્મેલા જ્હોન ટર્નર 2024માં ઇંગ્લેન્ડ માટે રમવા લાયક બન્યા હતા. ઘરઆંગણે શાનદાર પ્રદર્શન બાદ તેને ઇંગ્લેન્ડની વ્હાઇટ-બોલ ટીમમાં સ્થાન મળ્યું હતું. તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે 2024ના પ્રવાસ દરમિયાન બે વનડે અને બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોકે સતત ઈજાઓને કારણે તેઓ લાંબા સમય સુધી ટીમમાં પોતાની જગ્યા જાળવી શક્યા નહોતા.
ટર્નરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ક્રિકેટ છોડવાનો નિર્ણય તેના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય છે. પરંતુ પીઠમાં થયેલી સ્ટ્રેસ ફ્રેક્ચર સહિતની વારંવારની ઈજાઓએ તેને સમજાવ્યું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે બાળપણથી હેમ્પશાયર અને ઇંગ્લેન્ડ માટે રમવાનું સપનું હતું, જે પૂર્ણ થયું તે તેના માટે ગૌરવની વાત છે.
હેમ્પશાયર તરફથી ટર્નરે તમામ ફોર્મેટમાં કુલ 50થી વધુ મેચ રમી હતી અને લગભગ 100 વિકેટ ઝડપી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેની ઝડપી બોલિંગ અને સ્વિંગ કરવાની ક્ષમતાના કારણે તેઓ ઇંગ્લેન્ડ ક્રિકેટના ભવિષ્યના મહત્વપૂર્ણ ફાસ્ટ બોલર તરીકે જોવામાં આવતા હતા. પરંતુ સતત ફિટનેસની સમસ્યાઓએ તેની કારકિર્દીને સમય પહેલાં જ વિરામ અપાવ્યો.
ટર્નરની નિવૃત્તિએ ક્રિકેટ જગતમાં નિરાશા ફેલાવી છે. ઘણા પૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ તેને નવા જીવન માટે શુભેચ્છાઓ પાઠવી છે. માત્ર 25 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો તેનો નિર્ણય એ દર્શાવે છે કે રમતગમતમાં પ્રતિભા જેટલી જ ફિટનેસ પણ સફળતા માટે મહત્વપૂર્ણ છે.
John Turner, the Hampshire fast bowler who played two ODIs and two T20Is for England in 2024, has announced his retirement from professional cricket at the age of 25 pic.twitter.com/fM5YpmnEoh
— Cricinfo (@cricinfo) August 6, 2026
