ભારતીય ક્રિકેટર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ઓલરાઉન્ડર રમનદીપ સિંહે જાણીતી ટીવી અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ લગ્ન ખૂબ જ ખાનગી અને નજીકના પરિવારજનો તથા મિત્રો વચ્ચે યોજાયા હોવાનું સામે આવ્યું છે.
ચાર્લી ચૌહાણને ખાસ કરીને લોકપ્રિય યુવા ટીવી શો ‘કૈસી યે યારિયાં’માં મુક્તિ વર્ધનના પાત્રથી ઓળખ મળી હતી. આ ઉપરાંત તે MTV Roadies 7માં પણ જોવા મળી હતી. ચાર્લીએ પોતાના અંગત જીવનને હંમેશાં મીડિયા લાઈમલાઈટથી દૂર રાખ્યું છે. તેથી રમનદીપ સાથેના તેના લગ્નના સમાચાર સામે આવતા તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા લગ્ન સમારોહના વીડિયોમાં ચાર્લી લાલ રંગના ઘાઘરા-ચોળીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે માથા પર માંગ ટીકો, ચૂડા અને કલીરા પહેર્યા હતા. બીજી તરફ રમનદીપ સિંહે લાલ પાઘડી સાથે બેજ અને ગોલ્ડન રંગની શેરવાની પહેરી હતી. કેટલાક વીડિયોમાં રમનદીપ હાથમાં તલવાર સાથે પણ જોવા મળે છે. અહેવાલો અનુસાર લગ્નની વિધિ પંજાબી-શીખ પરંપરા મુજબ થઈ હોવાનું જણાય છે.
લગ્ન પહેલાંની કેટલીક રસપ્રદ તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ચાર્લીની મહેંદી અને પ્રી-વેડિંગ સેરેમનીના વીડિયોમાં પરિવારજનો અને નજીકના લોકો સાથે તે ડાન્સ કરતી જોવા મળી હતી. લગ્નના સમાચાર સામે આવ્યા બાદ ચાહકો બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
ચાર્લી ચૌહાણ અગાઉ અભિનેતા કુન્વર અમર સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં રહી હતી. જોકે હવે તેણે રમનદીપ સિંહ સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. બંને તરફથી હજુ સુધી લગ્ન અંગે સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી નથી, પરંતુ વાયરલ તસવીરો અને વીડિયોએ તેના લગ્નની ચર્ચાને વેગ આપ્યો છે.
A new chapter begins. 😍
Wishing Ramandeep Singh and Charlie Chauhan a lifetime of love, happiness, and togetherness. ❤️ pic.twitter.com/apOjooPMbR— Circle of Cricket (@circleofcricket) August 7, 2026
