ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટર અને ટી20 ટીમના ઉપકપ્તાન તિલક વર્મા મંગળવારે આંધ્ર પ્રદેશના તિરુમાલા ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર મંદિરે પહોંચ્યા હતા. ક્રિકેટના મેદાનથી હાલમાં થોડો સમય દૂર રહેલા તિલક વર્માએ વહેલી સવારે મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેઓ પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા અને તેણે મંદિરની વિશેષ ‘સુપ્રભાત સેવા’માં પણ ભાગ લીધો હતો.
દર્શન દરમિયાન તિલક વર્માએ સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લીધા હતા. મંદિર પરિસરમાં હાજર અન્ય શ્રદ્ધાળુઓનું પણ તેણે અભિવાદન કર્યું હતું. દર્શન બાદ તિલકે ચાહકો સાથે તસવીરો પણ પડાવી હતી. હાલમાં તેઓ ક્રિકેટમાંથી મળેલા વિરામ દરમિયાન પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. તાજેતરમાં તેઓ ઝિમ્બાબ્વે સામેની ટી20 સિરીઝનો પણ ભાગ રહ્યા હતા.
માત્ર 23 વર્ષની ઉંમરે તિલક વર્માએ ભારતીય ક્રિકેટમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. આક્રમક ડાબોડી બેટિંગ અને પરિસ્થિતિ પ્રમાણે ઇનિંગ્સને સંભાળવાની ક્ષમતાને કારણે તેને ભારતીય મિડલ ઓર્ડરનું મહત્વનું ભવિષ્ય માનવામાં આવે છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેમણે 3 ઓગસ્ટ 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 15 સપ્ટેમ્બર 2023ના રોજ બાંગ્લાદેશ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું.
તિલકના ટી20 રેકોર્ડ પર નજર કરીએ તો તેમણે અત્યાર સુધી 59 મેચની 56 ઇનિંગ્સમાં 1,645 રન બનાવ્યા છે. તેના નામે 9 અડધી સદી અને 2 સદી છે, જ્યારે તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 120 રન છે. તેનો ટી20 સ્ટ્રાઈક રેટ 145.18નો છે. બીજી તરફ, વનડેમાં તેણે 5 મેચની 4 ઇનિંગ્સમાં 68 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના ડેબ્યૂની હજુ રાહ જોવાઈ રહી છે.
તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન દરમિયાન તિલકની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. હવે ક્રિકેટમાંથી વિરામ બાદ તિલક ફરી મેદાન પર ક્યારે વાપસી કરે છે અને આગામી મેચોમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.
Tirumala, Andhra Pradesh: Indian cricketer Tilak Varma participated in the Suprabhata Seva at the Tirumala temple in Andhra Pradesh on Tuesday morning and offered prayers to Lord Venkateswara. pic.twitter.com/SHsPW4ok2D
— IANS (@ians_india) August 18, 2026
