મહિલા કોન્ટિનેન્ટલ કપ 2026ની શરૂઆત તુર્કીની મહિલા ક્રિકેટ ટીમે ધમાકેદાર જીત સાથે કરી છે. પ્રથમ મુકાબલામાં તુર્કીએ ઓસ્ટ્રિયાને માત્ર 35 રનમાં ઓલઆઉટ કરીને 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો. ઓસ્ટ્રિયાની બેટિંગ એટલી ખરાબ રહી કે તેની ટીમના કુલ આઠ બેટર્સ પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં.
ટોસ જીતીને તુર્કીએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તુર્કીના બોલર્સે શરૂઆતથી જ ઓસ્ટ્રિયાના બેટર્સ પર દબાણ બનાવ્યું અને નિયમિત અંતરે વિકેટો ઝડપી. ઓસ્ટ્રિયાની આખી ટીમ માત્ર 8.1 ઓવરમાં 35 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ટીમ તરફથી શ્રેયા રેડ્ડીએ સૌથી વધુ 8 રન બનાવ્યા, જ્યારે શીતલ ભારદ્વાજે 5 અને હાદિયા સિદ્દીકીએ 3 રનનું યોગદાન આપ્યું. રસપ્રદ વાત એ રહી કે ઓસ્ટ્રિયાના બેટર્સે મળીને માત્ર 16 રન બનાવ્યા, જ્યારે બાકીના રન એક્સ્ટ્રામાંથી આવ્યા.
તુર્કી તરફથી હાસેર સેલિક સૌથી સફળ બોલર રહી હતી. તેણે માત્ર 2 ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ટીમની કેપ્ટન કુબ્રા કાનાવારસીએ પણ શાનદાર બોલિંગ કરતાં 2 ઓવરમાં એક મેડન સાથે માત્ર 5 રન આપીને 3 વિકેટ ઝડપી. એઝગી નૂર કિલિકને એક વિકેટ મળી, જ્યારે ઓસ્ટ્રિયાના બે બેટર્સ રનઆઉટ થયા હતા.
36 રનના નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી તુર્કીની શરૂઆત પણ થોડી મુશ્કેલ રહી હતી અને તેણે બે વિકેટ ગુમાવી હતી. જોકે, ઝેહરા એન્ડરે 12 બોલમાં 13 રન અને મેલિકે બાયરમે માત્ર 8 બોલમાં 11 રન બનાવી ટીમને 5.3 ઓવરમાં જ જીત અપાવી. આ જીત સાથે તુર્કીએ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.
Austria women vs Turkey Women – 7 ducks, bowled out for 35 and a match that finished in 82 ballshttps://t.co/9QONDHQII6
— Sports Tak (@sports_tak) August 27, 2026
