
ટીમ ઈન્ડિયાના મધ્યમ ક્રમના બેટ્સમેનોએ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી ત્રણ મેચમાં ઘણી નિરાશ કર્યા છે. આવું જ કંઇક લીડ્ઝ ટેસ્ટ મેચમાં પણ થયું અને ભારતીય ટીમ ખરાબ રીતે હારી ગઈ. ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેનું પ્રદર્શન પણ આ મેચમાં ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તેણે બંને ઇનિંગ્સમાં 28 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે સતત રન બનાવી શક્યો નથી. રહાણેના સતત ખરાબ પ્રદર્શન બાદ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ટીમ ઇન્ડિયાને ઇશારામાં તેને ટીમમાંથી બહાર કરવાની સલાહ આપી છે.
ક્રિકબઝ પર વાત કરતા માઈકલ વેને કહ્યું કે, ‘અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયા માટે મોટો મુદ્દો બની ગયો છે. આ પહેલા ઈંગ્લેન્ડે જે રીતે ડોમિનિક સિબલી અને જેક ક્રોલીને પડતા મૂક્યા હતા, ભારતે પણ તેમની ટીમમાં ફેરફાર કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે રહાણેએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની ટેસ્ટમાં ભારત માટે છેલ્લી સદી ફટકારી હતી અને ત્યારથી તે સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જોકે વર્તમાન પ્રવાસમાં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં તેણે 61 રન બનાવ્યા હતા, પરંતુ તે પછીની ટેસ્ટમાં તે ફરી પાછો સાબિત થયો.
ભારતીય ટીમમાં માત્ર અજિંક્ય રહાણે જ નહીં, વિરાટ કોહલી અને રિષભ પંત પણ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ભારતીય ટીમની ખૂબ જ નબળી બેટિંગનો સૌથી મોટો પુરાવો એ હતો કે, લીડ્ઝ ટેસ્ટ મેચમાં ભારતીય ઈનિંગ માત્ર 78 રનમાં સમેટાઈ ગઈ હતી અને પછી બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા ફરી 278 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર બીજા દાવમાં બે વિકેટે 215 હતો, પરંતુ તે પછી ભારતીય ટીમે 63 રનમાં તેની 8 વિકેટ ગુમાવી દીધી હતી.
