
બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બાંગ્લાદેશે આઠ વિકેટે જીતી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આવું પ્રથમ વખત બન્યું છે, જ્યારે કિવી ટીમ બાંગ્લાદેશ સામે મેચ હારી હોય.
બીજી તરફ બાંગ્લાદેશ 2017 પછી ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ ટીમ છે. બાંગ્લાદેશ માટે આ મેચમાં સાત વિકેટ લેનાર ઇબાદત હસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. તેણે બીજા દાવમાં 46 રન આપીને છ વિકેટ ઝડપી હતી અને કીવી ટીમના સ્કોરને 169 સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડે ગયા વર્ષે જૂનમાં ભારતને હરાવીને ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી, પરંતુ હવે બાંગ્લાદેશે તેને હરાવીને મોટો ફેરફાર કર્યો છે.
આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 328 રન બનાવ્યા હતા. કિવિઝ તરફથી ડેવોન કોનવેએ 122, હેનરી નિકોલ્સે 75 અને વિલ યંગે 52 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન અને શોરીફુલ ઈસ્લામે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે કેપ્ટન મોમિનુલ હકને બે વિકેટ મળી હતી.
જવાબમાં બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 458 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. બાંગ્લાદેશ માટે તમામ બેટ્સમેનોએ સારું યોગદાન આપ્યું હતું. કેપ્ટન મોમિનુલ હકે સૌથી વધુ 88 રન બનાવ્યા હતા. જ્યારે લિટન દાસે 86, મહમુદુલ હસને 78 અને શાંતોએ 64 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ચાર, નીલ વેગનરે ત્રણ અને ટિમ સાઉથીએ બે વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 130 રનની લીડ લીધા બાદ બીજી ઇનિંગમાં કિવી ટીમ માત્ર 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી ઇબાદત હસને છ વિકેટ લીધી હતી. જ્યારે તસ્કીન અહેમદને ત્રણ અને મહેંદી હસનને એક વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી વિલ યંગે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. તેના સિવાય રોસ ટેલરે 40 અને રવિન્દ્રએ 16 રન બનાવ્યા હતા. કિવી ટીમના પાંચ બેટ્સમેન બીજા દાવમાં ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે બીજા દાવમાં 40 રનની જરૂર હતી અને બે વિકેટના નુકસાને લક્ષ્યનો પીછો કર્યો હતો. કેપ્ટન મોમિનુલ 13 અને મુશફિકુર રહીમ પાંચ રન બનાવી અણનમ પરત ફર્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી કાયલ જેમસન અને ટિમ સાઉથીએ એક-એક વિકેટ લીધી હતી.
