
38 વર્ષીય મિતાલીએ ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી હતી……
ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની સિરીઝમાં શાનદાર પ્રદર્શન પાછળ ત્રણ વર્ષથી વધુ સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની (આઈસીસી) મહિલા વનડે આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ફરી એકવાર ટોચ પર આવી ગઈ છે. જોકે આ શ્રેણીમાં ભારત 1-2થી હાર્યું હતું, 38 વર્ષીય મિતાલીએ ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી હતી.
મિતાલીએ પહેલા બે વનડેમાં 72 અને 59 રન બનાવ્યા હતા, જ્યારે ત્રીજી અને અંતિમ મેચમાં તેણીએ અણનમ 75 રને ભારતને મેચ જીતવામાં મદદ કરી હતી. મિતાલીએ આઈસીસી રેન્કિંગમાં ટોચના સ્થાને ચાર સ્થાનનો ફાયદો મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ તે ફેબ્રુઆરી 2018 માં રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ હતી. મિતાલી એપ્રિલ 2005 માં પ્રથમ વખત રેન્કિંગમાં ટોચ પર હતી. પ્રથમ અને છેલ્લી વખત રેન્કિંગમાં ટોચ પર હોવા વચ્ચેનું 16 વર્ષનું અંતર કોઈપણ મહિલા બેટ્સમેન માટે સૌથી મોટું છે.
