IPL 2026માં પંજાબ કિંગ્સ (PBKS) માટે સ્થિતિ સતત ખરાબ બનતી જઈ રહી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનસી હેઠળ ટીમે સીઝનની શરૂઆત તો જબરદસ્ત કરી હતી, પરંતુ હવે સતત ચોથી હાર બાદ ટીમ પર દબાણ વધી ગયું છે. દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમાયેલી હાઈ-સ્કોરિંગ મેચમાં 210 રન બનાવ્યા છતાં પંજાબને હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે કેપ્ટન શ્રેયસ અય્યર મેચ બાદ સ્પષ્ટ નિરાશ દેખાયા હતા.
ધર્મશાળામાં રમાયેલી IPL 2026ની 55મી મેચમાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતાં 5 વિકેટે 210 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. જોકે દિલ્હી કેપિટલ્સે આ ટાર્ગેટ 6 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો. મેચ બાદ અય્યરે સ્વીકાર્યું કે આ સ્કોર જીત માટે પૂરતો હતો. તેણે કહ્યું કે, “મને તો લાગ્યું હતું કે અમે જરૂર કરતાં 30 રન વધારે બનાવ્યા હતા. આવી પિચ પર 210 રન ડિફેન્ડ થવા જોઈએ.”
મેચ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો હતો યૂઝવેન્દ્ર ચહલને એક પણ ઓવર ન આપવાનો નિર્ણય. આ અંગે પૂછવામાં આવતા શ્રેયસ અય્યરે જણાવ્યું કે પિચ પર સીમર્સને સતત મદદ મળી રહી હતી અને બોલ સીમ થઈ રહ્યો હતો, તેથી ટીમ મેનેજમેન્ટે ઝડપી બોલરો પર વિશ્વાસ મૂક્યો હતો. જોકે તેણે સ્વીકાર્યું કે પેસ બોલરો યોગ્ય લાઇન અને લેન્થ પર બોલિંગ કરવામાં નિષ્ફળ રહ્યા.
આ મેચ સાથે ધર્મશાળાના મેદાન પર IPL ઇતિહાસમાં પ્રથમ વખત 200થી વધુ રન સફળતાપૂર્વક ચેઝ થયા. આ પહેલા અહીં સૌથી મોટો સફળ ચેઝ 193 રનનો હતો, જે 2010માં નોંધાયો હતો. દિલ્હી કેપિટલ્સે 211 રન બનાવી આ 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.
સળંગ ચાર હાર બાદ હવે પંજાબ કિંગ્સ માટે પ્લેઓફની રેસ વધુ મુશ્કેલ બની ગઈ છે.
